ઊંઝા નજીક કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર 4 કલાકે કાબુ મેળવાયો
- સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,
- ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગે ભીષણ રૂપ ધારણ કર્યું,
- ઊંઝા અને મહેસાણા ફાયરની ટીમે આગને કાબુ મેળવ્યો
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર-અરણીપુરા રોડ પરની એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના ટાણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આગના બનાવની જાણ થતાં મહેસાણા અને ઊંઝાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રાયસ કર્યો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીને કરોડો રૂપિયાનું નોંધપાત્ર નુકસાન થયું હોવાનો અંદાજ છે. ફાયર બ્રિગેડે 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
આ બનાવની વિગત એવી છે, કે, ઊંઝા તાલુકાના ઐઠોર-અરણીપુરા રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના ટાણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગી અને થોડી જ ક્ષણોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જે દૂરથી પણ જોઈ શકાતા હતા. દરમિયાન આગની જાણ થતાં જ ઊંઝા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, કેમિકલ્સના કારણે આગની તીવ્રતા એટલી વધુ હતી કે ઊંઝા ફાયર ટીમ માટે તેને એકલા હાથે કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક મહેસાણા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઊંઝા અને મહેસાણા એમ બંને ફાયર ટીમોએ સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. લગભગ 3 થી 4 કલાકની સઘન કવાયત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. આ કામગીરી દરમિયાન, આગને આસપાસના વિસ્તારોમાં કે અન્ય કોઈ મિલકત સુધી પ્રસરતી અટકાવવામાં પણ ફાયર બ્રિગેડ સફળ રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.