મોબાઇલમાંથી ખુલ્યા ‘બાબા ચૈતન્યાનંદ સરસ્વતી’ના અનેક અશ્લિલ રાજ
નવી દિલ્હીઃ અનેક યુવતીઓના યૌન શોષણના આરોપી ‘બાબા’ ચૈતન્યાનંદ સરસ્વતી અંગે નવા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસે તેની ધરપકડ બાદ પૂછપરછ શરૂ કરી છે, પરંતુ આરોપી પૂછપરછમાં સહકાર આપતો નથી અને સતત ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન પોલીસે તેના મોબાઇલ ફોનમાંથી ઘણી યુવતીઓ સાથેની ચેટ્સ અને એરહોસ્ટેસ સાથેની તસવીરો પણ મેળવી છે. યુવતીઓને લલચાવી પ્રલોભન આપવાના તેના પ્રયાસો પણ સામે આવ્યા છે. મોબાઇલમાં યુવતીઓના વોટ્સએપ ડીપીના સ્ક્રીનશોટ્સ પણ મળી આવ્યા છે.
સૂત્રો મુજબ, પોલીસ દ્વારા પુરાવા બતાવવામાં આવે ત્યારે જ તે સવાલોના જવાબ આપે છે. તેની બે મહિલા સાથીદારોને પણ કસ્ટડીમાં લઇને આમને-સામને પૂછપરછ કરવામાં આવી રહી છે. 16 વિદ્યાર્થીનીઓના યૌન શોષણના આરોપમાં ધરપકડ કરાયેલા આ ‘બાબા’ને કોર્ટ દ્વારા પાંચ દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. વસંત કુજ નોર્થ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ દરમિયાન તેણે પહેલા જ દિવસે સાંજે ફળ અને અન્ય વસ્તુઓની માંગ કરી હતી. પોલીસએ તેને ફળ તથા પાણી પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈતન્યાનંદને રવિવારે આગરાના ‘ફર્સ્ટ તાજગંજ’ હોટેલમાંથી પકડાયો હતો. તેની પાસેથી ત્રણ મોબાઇલ અને એક આઇપેડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હવે તેના અનેક ગેરકાયદેસર કાર્યોનો પર્દાફાશ થતો જઈ રહ્યો છે. પોલીસ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.