કાલે 1લી એપ્રિલથી GST, TDS - TCS - બેન્કિંગ સહિત અનેક નવા નિયમો અમલમાં આવશે
- બાંધી મુદત થાપણોમાં ટીડીએસ મુક્તિ મર્યાદા રૂા.1 લાખ થશે
- બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સના નિયમો પણ ફરશે
- GSTમાં ઈ-ચલાન અપલોડ કરવાની ટર્નઓવર મુક્તિ મર્યાદા ઘટશે
અમદાવાદઃ નવા નાણાકીય વર્ષનો આવતી કાલ 1લી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. સરકારે બજેટમાં જે જોગવાઈ કે જાહેરાત કરી છે. એનો અમલ 1લી એપ્રિલથી લાગુ થઈ જશે. જેમાં જીએસટી, ટીડીએસ, ટીસીએસ, અને બેન્કિંગ સહિત અનેક નવા નિયમોનો અમલ થઈ જશે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડની કમાણીમાં ટીડીએસ મર્યાદા રૂા.5000 થી વધારીને રૂા.10000 કરવામાં આવી છે. હવે એ.ટી.એમ.નો વધુ પડતો ઉપયોગ મોંઘો પડશે
કેન્દ્ર સરકારે બજેટમાં જે નવી જોગવાઈ કરી છે. તેનો અમલ આવતી કાલ તા.1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષથી લાગુ થઈ જશે. જો રાહતની વાત કરીએ તો ફિકસ ડિપોઝીટ- રીકરીંગ યોજનામાં રોકાણ કરનારા અને તેના પર વ્યાજની કમાણી કરનારા માટે હવે કરમુક્તિ મર્યાદા વધી ગઈ છે. અત્યાર સુધી રૂા.50000 સુધીનું વાર્ષિક વ્યાજની આવકમાં કોઈ ટીડીએસ કપાતો ન હતો. નાણામંત્રી નિર્મલા સીતારામને તેને હવે ડબલ એટલે કે રૂા.1 લાખ સુધીની તમામ એફડી-રીકરીંગ વ્યાજ કમાણી ટીડીએસ મુક્ત કરી છે. સીનીયર સીટીઝનો સહિત જેઓ વ્યાજની કમાણી પર પોતાનું જીવન નિર્વાહ કરે છે તેઓને મોટી રાહત થશે. તેના પર કોઈ ટીડીએસ બેન્કો પણ કાપશે નહી. સામાન્ય નાગરિક જે સીનીયર સીટીઝનની વ્યાખ્યામાં આવતા નથી. તેઓ માટેની આ મર્યાદા રૂા.40000થી વધારીને રૂા.50000 કરી છે.
આ ઉપરાંત મકાન ભાડામાં પણ મોટી રાહત આપી છે. જેઓ ભાડાની ટીડીએસ મર્યાદા રૂા.2.40 લાખ હતી તે વધારીને રૂા.6 લાખ કરી છે. ખાસ કરીને જેઓ પાસે બે પ્રોપર્ટી છે અને તેઓ તેમાંથી ભાડાની કમાણી કરે છે તેઓને હવે વધુ ભાડા આવકમાં ટીડીએસ કપાત નહી થાય. આ જ રીતે જેમના સંતાનો વિદેશમાં ભણે છે. તેઓને અભ્યાસ ફી વિ. ખર્ચ માટે ભારતમાંથી મોકલાતા નાણામાં રૂા.10 લાખ સુધીની રકમ તેઓ મોકલી શકશે જેના પર કોઈ ટીસીએસ- ટેક્ષ કલેકશન એટ સોર્સ નહી કપાય. જેઓ હાલ રૂા.7 લાખ સુધીની મર્યાદા હતી તે વધારાઈ છે.
જ્યારે વિમા એજન્ટો અને બ્રોકરોની કમાણીમાં જે ટીડીએસ કપાત થાય છે તેમાં રાહત અપાઈ છે. અત્યાર સુધી એટલે કે આજે પુરા થતા નાણાકીય વર્ષથી રૂા.15000થી વધુની કમાણી પર ટીડીએસ લાગતો હતો. હવે તે રૂા.20000 (પ્રતિ વ્યવહાર) કરવામાં આવી છે. આ ઉપરાંત લોટરી, ઘોડાદૌડ, વિ.ની કાનુની ગેમ્બલીંગ કમાણી પર રૂા.10000 સુધીની આવક સુધી કોઈ ટીડીએસ નહી કપાય. આ જ રીતે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડની કમાણીમાં ટીડીએસ મર્યાદા રૂા.5000 થી વધારીને રૂા.10000 કરવામાં આવી છે. હવે એ.ટી.એમ.નો વધુ પડતો ઉપયોગ મોંઘો પડશે. 1 મે થી આ નવા નિયમો લાગુ થશે. રિઝર્વ બેન્કે આ માટે મંજુરી આપી દીધી છે. બેન્ક જે એટીએમના ઉપયોગમાં 4થી પાંચ વ્યવહાર નિશુલ્ક આપે છે તે બાદના દરેક વ્યવહાર પર રૂા.21નો ચાર્જ પ્લસ જીએસટી લાગતો હતો તે હવે રૂા.23 લાગશે. બીજી બેન્કના એટીએમનો ઉપયોગ પણ મોંઘો બન્યો છે તો લઘુતમ બેલેન્સ બેન્ક ખાતામાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા રાખવા જરૂરી છે તેમાં પણ ફેરફાર આવી રહ્યો છે. જેમાં હવે શહેરી ક્ષેત્રમાં રૂા.5000 ગ્રામીણ ક્ષેત્રમાં રૂા.3000નું લઘુતમ બેલેન્સ નિયમ લાગુ થશે તો વ્યાપારી વર્ગ માટે જીએસટી ઈ-ઈન્વોસ પ્રક્રિયામાં ફેરફાર થયા છે. હવે રૂા.10 કરોડથી વધુ અને રૂા.100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વ્યાપારીઓએ બિલની તારીખથી 30 દિવસમાં તે ઈ-ઈન્વોઈસ જીએસટીની નિયત વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. હાલ આ છુટ રૂા.100 કરોડથી વધુના ટર્નઓવરમાં જ લાગુ હતી.