For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાહુલ, સોનિયા અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ ઈન્દિરા ગાંધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી

01:20 PM Oct 31, 2025 IST | revoi editor
રાહુલ  સોનિયા અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ ઈન્દિરા ગાંધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી
Advertisement

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને દેશના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર પર શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને યાદ કર્યું હતું. કોંગ્રેસ સાંસદ દળની અધ્યક્ષા સોનિયા ગાંધી, પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘શક્તિસ્થળ’ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈન્દિરા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

Advertisement

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં જણાવ્યું કે, “તેઓ દેશવાસીઓના હૃદયમાં વસે છે અને તેમના વિચારો કોંગ્રેસની વિચારધારાનો અટૂટ હિસ્સો છે.” ખડગેએ ‘એક્સ’ પર લખ્યું હતું કે, “દેશને એકતા અને અખંડિતતાના સૂત્રમાં બાંધનારા ભારતના લોહપુરુષ, દેશના પ્રથમ ઉપપ્રધાન, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અમારા પ્રેરણાસ્ત્રોત સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.” ખડગેએ જણાવ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુએ સરદાર પટેલને ‘ભારતની એકતાના સ્થાપક’ તરીકે વર્ણવ્યા હતા. “સરદાર સાહેબ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા અને તેમના નેતૃત્વમાં કરાચી કોંગ્રેસમાં જે મૌલિક અધિકારો અંગેનો ઠરાવ પસાર થયો હતો, તે ભારતીય બંધારણની આત્મા ગણાય છે.”

ઈન્દિરા ગાંધીને યાદ કરતાં ખડગેએ ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે,  “ભારતની એકતા અને અખંડિતતાને અક્ષૂણ રાખવા માટે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ, કુશળ નેતૃત્વ અને દૂરદર્શિતાથી અવિસ્મરણીય યોગદાન આપનાર, ભારતની પ્રથમ મહિલા વડા પ્રધાન અને અમારા આદર્શ ઈન્દિરા ગાંધીજીના બલિદાન દિવસ પર હું તેમને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.”

Advertisement

કોંગ્રેસ મહાસચિવ જૈરામ રમેશે ઈન્દિરા ગાંધીની 41મી પુણ્યતિથિ નિમિત્તે ‘એક્સ’ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “ઈન્દિરા ગાંધી અદમ્ય ધૈર્ય, સાહસ અને દૃઢસંકલ્પ ધરાવતી અદભૂત વ્યક્તિ હતી.” તેમણે યાદ કર્યું કે, “13 ઑગસ્ટ 1977ના વરસાદી દિવસે તેમણે કાર, જીપ, ટ્રેક્ટર અને અંતે હાથી પર સવાર થઈને બિહારના દૂરના ગામ બેલછી સુધીની યાત્રા કરી હતી, જ્યાં જાતિ આધારિત અત્યાચારથી પીડિત પરિવારોને મળવા ગઈ હતી. આ માનવીય સંપર્કે તેમના રાજકીય પુનરુદયનો માર્ગ ખોલ્યો હતો.” રમેશે ઉમેર્યું કે, “આ યાત્રાના બીજા જ દિવસે તેમણે પટણામાં પોતાના સૌથી કટુ રાજકીય વિમુખ જયપ્રકાશ નારાયણ સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંનેએ વર્ષો જૂના સંબંધો અને સંવાદને ફરી યાદ કર્યા હતા.”

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ ગૃહપ્રધાન હતા અને આઝાદી બાદ દેશની 560થી વધુ રિયાસતોને એકસાથે જોડીને અખંડ ભારતના નિર્માણનું શ્રેય તેમના રાજકીય દક્ષતા અને કૂટનીતિક કુશળતાને મળે છે. ભારતની પ્રથમ મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેઓ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 સુધી વડા પ્રધાન રહ્યા બાદ 1980માં ફરી વડા પ્રધાન બન્યા હતા 31 ઑક્ટોબર, 1984ના રોજ તેમના અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી.

Advertisement
Tags :
Advertisement