For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માણસનો સૌથી મોટો દુશ્મન એની મૂર્ખતા નથી પરંતુ જ્ઞાની હોવાનો એનો ભ્રમ છે

08:00 AM Feb 23, 2025 IST | revoi editor
માણસનો સૌથી મોટો દુશ્મન એની મૂર્ખતા નથી પરંતુ જ્ઞાની હોવાનો એનો ભ્રમ છે
Advertisement

સ્ટિફન હૉકિન્સના અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ : ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સપુસ્તકનો જગતભરની ૪૦ ભાષાઓમાં અનુવાદ થયો અને ૨૫ મિલિયનથી વધુ નકલ વેચાઇ

Advertisement

 એક પ્રણય યુગલ બગીચામાં બેઠું હતું. પ્રેમી એ પ્રેમિકાની આંખમાં જોઈને કહ્યું, ‘તને ખબર છે તારી આંખો કેવી છે ?’ પ્રેમિકાએ નેણ નચાવતા કહ્યું, ‘ના. તું જ કહેને મારી આંખો કેવી છે ?’ પ્રેમી બોલ્યો, ‘જેટલું તારી આંખોમાં જોઉં છું એટલો ડૂબતો જાઉં છું અને જેટલો ડૂબું છું, એટલી વધુ જીવવાની તમન્ના થાય છે. એવી છે તારી આંખો...’ આ પ્રણય યુગલની જેવી જ વાત બ્રહ્માંડના રહસ્યોના સંદર્ભમાં સાચી છે. બ્રહ્માંડ વિશે જેટલું જાણીએ એટલા વધુ એમાં ડૂબતા જઈએ અને જેટલા ડુબતા જઈએ એટલી જ વધુ જાણવાની ઈચ્છા બળવત્તર બનતી જાય. ઇન્ટરસ્ટેલર નામની હોલીવુડમાં બનેલી એક ધાસુ ફિલ્મ એકાદ દાયકા પહેલા આવેલી. આ ફિલ્મમાં બ્રહ્માંડ અને બ્લેક હોલ સંદર્ભે જબરજસ્ત પરિકલ્પનાઓ કચકડે કંડારાઈ હતી. ભૌતિક વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે આ ફિલ્મ રોમાંચકારી છે. ખેર, અહીં વાત ઇન્ટરસ્ટેલર ફિલ્મની વાત નથી કરવી. અહીં બ્રહ્માંડના વિસ્તારની અને બ્લેક હોલની વાત કરવી છે.

છેક આદિ અનાદિકાળથી માનવ સભ્યતા માટે બ્રહ્માંડ રહસ્ય અને રોમાંચનો વિષય રહ્યો છે. કવિઓ અને સર્જકોએ બ્રહ્માંડની પરિકલ્પનાઓ કરીને એના વિવિધ રોમાંચ પેદા કરે એવા પાસાઓ પ્રસ્તુત કર્યા છે. બ્રહ્માંડ માટે અલગ અલગ તબક્કે અલગ અલગ ધારણાઓ કરવામાં આવી હતી. આજથી માત્ર એકાદ બે સદી પહેલા સુધી સમસ્ત માનવજાત એમ સમજતી હતી કે પૃથ્વી ચપટી છે અને સ્થિર છે. સૂર્ય સહિત બીજા બધા ગ્રહો પૃથ્વીની આસપાસ ફરે છે. પરંતુ કાળક્રમે બ્રહ્માંડનો સીનારીઓ સ્પષ્ટ થવા લાગ્યો. સુબ્રમણ્યમ ચંદ્રશેખર, કોપર નિકસ, ગેલેલિયો ગેલેલી, એરિસ્ટોટલ, ન્યુટન, સ્ટિફન હોકિન્સ, એડવિન વગેરે જેવા દેશ વિદેશના ભૌતિક વિજ્ઞાનના જીનીયસ વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા પાછળ અથાક પ્રયાસો કર્યા અને ઘણા અવનવા તથ્યો ઉજાગર કરીને દુનિયા સમક્ષ મૂક્યા.

Advertisement

આ બધા વૈજ્ઞાનિકોની કતારમાં ૨૦મી ૨૧મી સદીના સ્ટિફન હૉકીન્સે બ્લેક હોલ થિયરી અને બિગ બેંગ થિયરી ઉપર કામ કરીને બ્રહ્માંડના તત્વોને માનવજાત સમક્ષ મૂક્યા. સ્ટીફન એવો વ્યક્તિ હતો કે જે અસાધ્ય ગંભીર બીમારીને કારણે બોલી નહોતો શકતો અને વ્હીલ ચેર વગર ચાલી નહોતો શકતો પરંતુ એણે ભૌતિકશાસ્ત્રના ગુઢ રહસ્યોના અભ્યાસ દ્વારા દુનિયા આખીને હલબલાવી મૂકી. વર્ષ ૧૯૪૨માં ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં જન્મેલા સ્ટીફને લખેલું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ : ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ’ જગતભરના પ્રબુધ્ધોમાં ખૂબ વંચાયું છે. વિશ્વના દાદુ ભૌતિકશાસ્ત્રી વૈજ્ઞાનિકો એક વાર તો આ પુસ્તકમાંથી અવશ્ય પસાર થાય છે. સ્ટીફને ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’ પુસ્તકમાં બ્રહ્માંડના અને જગતના અનેક રહસ્યો ઉપરથી પડદો ઉંચક્યો છે. સ્ટિફનનુ આ પુસ્તક બેસ્ટસેલર શ્રેણીમાં આવે છે. જગતભરની ૪૦ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે અને અધધ થઇ જવાય એટલી ૨૫ મિલિયનથી વધુ એની નકલો વેચાઇ છે.

પુલક ત્રિવેદી

સહેજે એમ થાય કે, જે પુસ્તકનું નામ સતત ત્રણ વર્ષ સુધી સૌથી વધુ વેચાતા પુસ્તક તરીકે નોંધાયેલું હોય એની અપાર લોકપ્રિયતાનું રહસ્ય શું છે ? બર્નાર્ડ લેવર્ને એકવાર ટાઇમ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એમના લેખમાં લખ્યું હતું કે, જેમ સર્જકનું રહસ્ય ચમત્કારિક છે, તેવી જ રીતે આ પુસ્તકની લોકપ્રિયતા પણ રહસ્યમય છે. જે વ્યક્તિ આ રહસ્ય જાહેર કરશે એને મારા તરફથી ઈનામ આપવામાં આવશે. લેવર્નની જાહેરાતના જવાબમાં ઘણા લેખો આવ્યા, પરંતુ સૌથી સુંદર જવાબ સ્ટિફન હૉકિંગની માતા ઇસાબેલ તરફથી આવ્યો. ઇસાબેલે આ પુસ્તક વાંચતી વખતે લખ્યું હતું કે, આ પુસ્તકનો વિચાર જરા મુશ્કેલ અને અટપટો જરૂર છે, પરંતુ એની ભાષા અને લેખનશૈલી સરળ છે. પુસ્તકમાં કોઈ ઢોંગ નથી. એમાં ક્યાંય વાચકની કોઈ અવગણના થતી હોવાનું જણાતું નથી. સ્ટિફનની એક જ ઈચ્છા છે કે તેના વિચારો જિજ્ઞાસુ વાચકો સમજી શકે. તેણે વિકલાંગતાને પડકારી છે. વિકલાંગતા પર કાબુ મેળવ્યો છે. ડોકટરોની આગાહીઓ નિષ્ફળ ગઈ છે. મેડિકલ જગતને પણ એણે પડકાર ફેંક્યો છે.

હવે વાત કરીએ બીગ બેંગની. બ્રહ્માંડનો જન્મ એક મહાન વિસ્ફોટના પરિણામે થયો હતો. જેને મહાવિસ્ફોટ સિદ્ધાંત અથવા બિગ બેંગ થિયરી કહેવામાં આવે છે. જે મુજબ લગભગ બારથી ચૌદ અબજ વર્ષ પહેલાં આખું બ્રહ્માંડ અણુ એકમના રૂપમાં હતું. માનવ સમય અને અવકાશ જેવા કોઈ ખ્યાલ એ સમયે અસ્તિત્વમાં જ નહોતા. આ થિયરી મુજબ, આશરે ૧.૪ અબજ વર્ષો પહેલા આ વિસ્ફોટથી અપાર ઉર્જા ઉત્સર્જિત થઇ હતી. આ ઉર્જા એટલી વધારે હતી કે એની અસરને કારણે હજુ આજ પણ બ્રહ્માંડનો ફેલાવો વિસ્તાર થઇ રહ્યો છે. આ બધી માન્યતાઓ એક જ ઘટના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને મહાવિસ્ફોટની એટલે કે બિગ બેંગની થિયરી કહેવામાં આવે છે. મહાવિસ્ફોટના માત્ર ૧.૮૩ સેકન્ડના અંતરાલ પછી સમય, અવકાશની વર્તમાન માન્યતાઓ અસ્તિત્વમાં આવી. ત્યારબાદ જ ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ થવા લાગ્યા. ૧.૩૪ મી સેકન્ડમાં, બ્રહ્માંડ ૧૦૩૦ વખત વિસ્તર્યુ હોવનુ માનવામાં આવે છે. એ પછી ક્વોક્સ, લેપટોન અને ફોટોનનો ગરમ પદાર્થ બનવા લાગ્યો હતો. ૧.૪ સેકન્ડમાં, ક્વાર્ક્સ મળીને પ્રોટોન અને ન્યુટ્રોન બનાવવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડ થોડુંક ઠંડુ થઈ ગયું. હાઈડ્રોજનહિલીયમ વગેરે વાયુનું અસ્તિત્વ બનવા માંડ્યું. સાથે સાથે અન્ય તત્વો પણ બનવા માંડ્યા.

સ્ટીફન હૉકીંસે એના પુસ્તકમાં બિગ બેંગ થિયરી દ્વારા બ્રહ્માંડનું નિર્માણ તથા અસંખ્ય તારાઓ, આકાશગંગાઓ(ગેલેક્સી) વગેરેનું નિર્માણ અને એના જબરજસ્ત વિસ્તારને વિગતવાર સમજાવીને એના મહત્વને સ્પષ્ટ કર્યું છે. પ્રકૃતિના અંતિમ રહસ્યોને સમજાવવાની સ્ટીફને કોશિશ કરી છે. એણે રજૂ કરેલી બ્લેક હોલ થિયરીમાં આવતો શબ્દ બ્લેક હોલ પહેલ વહેલો ૨૦મી સદીના મધ્યમાં ઉજાગર થયેલો. ૧૯૧૫માં જ્યારે આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો ત્યારે વૈજ્ઞાનિકોને વિશ્વાસ બેઠો કે પ્રકાશ પણ ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થાય છે. બ્લેક હોલને સમજવા માટે એક તારાનું જીવન ચક્ર જોવું પડે. જ્યારે એક તારો બને ત્યારે મોટી માત્રામાં ગેસ ઉત્પન્ન થતો હોય છે. ગેસ તારાની નજીક આવે ત્યારે તારાનું ગુરુત્વાકર્ષણ બળ બને છે પછી એ વધુ સખત બનીને ફરવા લાગે છે. એની અંદરના અણુ ગરમ થઈને હિલિયમ બનવા લાગે છે. આ પ્રક્રિયામાં ગજબની ઉર્જા પેદા થતી હોય છે. લાંબા સમયે જ્યારે તારામાંથી હાઈડ્રોજન ગેસ ખતમ થઈ જાય છે ત્યારે એનું ગુરુત્વાકર્ષણ બળ અનેક ગણું વધી જતું હોય છે. પછી આ તારો ધીમે ધીમે ઠંડો પડતો જાય છે અને સંકોચાતો જાય છે. આ તારો ત્યારબાદ ધીમે ધીમે બ્લેક હોલમાં રૂપાંતરિત થઈ જતો હોય છે.

બ્રહ્માંડના સંદર્ભમાં ઈસવીસન પૂર્વે ૩૪૦માં એરિસ્ટોટલે પૃથ્વી ચપટી નહીં પણ ગોળ હોવાની વાત કહી. તે જમાનામાં આ વાત સ્વીકારવી ખૂબ અઘરી હતી. ત્યારબાદ પેટોલીનીએ પહેલી શતાબ્દીમાં કહ્યું કે, પૃથ્વીની આસપાસ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરે ફરે છે. એના પછી કોપર નીકસે દુનિયા સામે સ્પષ્ટ કર્યું કે પૃથ્વી સ્થિર નથી પરંતુ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી, ચંદ્ર સહિત બીજા ગ્રહો એની આસપાસ ફરે છે. આ વિચારને ગેલેલિયો ગેલેલી અને જહોનીસ કેપ્લરે વધુ બળવત્તર બનાવ્યો. જોકે એ સમયે જગતમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે, આપણી એક જ આકાશ ગંગા છે અને એમાં અગણિત તારાઓ છે. એડવીન નામના ભૌતિક વૈજ્ઞાનિકે નવ જેટલી આકાશગંગાઓની ઓળખ આપીને માનવજાતને અવગત કરાવ્યું કે, બ્રહ્માંડમાં એક જ આકાશ ગંગા નહીં પરંતુ આપણી આકાશ ગંગા જેવી કે એનાથી પણ અનેકગણી વિશાળ અનેક આકાશગંગાઓ બ્રહ્માંડમાં છે. જેમાં અગણિત તારાઓ અને ગ્રહોનું અસ્તિત્વ છે. સ્ટિફન હૉકીંસ કહે છે કે, માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે માત્ર પૃથ્વી પર્યાપ્ત નથી. બ્રહ્માંડની અનેક આકાશગંગાઓના બીજા અનેક તારાઓના અગણીત ગ્રહો પૈકી બીજા કોઈ ગ્રહ ઉપર માનવજાતના વિકાસ માટે આગામી ટૂંક સમયમાં માર્ગ કાઢવો પડશે. હૉકીંસ જેટલા મોટા ગજાના વૈજ્ઞાનિક હતા એટલા જ અદભુત વિચારક પણ હતા. એમની કેટલીક હૃદયમાં વસી જાય એવી વિચાર કણિકાઓ મમળાવવા જેવી છે.

હૉકીંસ કહેતા કે, માણસનો સૌથી મોટો દુશ્મન એની મૂર્ખતા નથી પરંતુ જ્ઞાની હોવાનો એનો ભ્રમ છે. એમણે અનેકવાર જણાવ્યું છે કે, જીવન ગમે એટલું દુષ્કર લાગે પણ દરેક વ્યક્તિ કંઈકને કંઈક તો કરી જ શકે છે અને સફળ બની શકે છે. સ્ટીફને એક જગ્યાએ લખ્યું છે કે, એકવાર મારી પાસે સારા બુટ ન હોવાના કારણે હું ખૂબ રડ્યો પરંતુ એટલામાં મેં એવા વ્યક્તિને જોયો કે જેના બંને પગ જ ન હતા. હું મનોમન આભાર માનવા લાગ્યો કે મારી પાસે બે પગ તો છે. એ દ્રઢપણે માનતા કે, શાંત લોકોનું દિમાગ સૌથી તેજ હોય છે. બ્રહ્માંડના રહસ્યો ઉપર સંશોધન કરતી વખતે એક સમયે સ્ટીફને નોંધ્યું હતું કે, જ્યાં સુધી અંતરિક્ષમાં આપણે વિસ્તરી નહીં શકીએ ત્યાં સુધી મને નથી લાગતું કે માનવજાત આગામી હજાર વર્ષથી વધુ પૃથ્વી ઉપર જીવિત રહી શકે. ઈશ્વરના સંદર્ભમાં હૉકીંસ માનતા કે, ‘હું ભગવાનમાં વિશ્વાસ નથી કરતો પણ મને ડર છે કે એ મારી વાત સાંભળી શકે છે.’ વૈજ્ઞાનિક સંશોધનો અંગે સ્ટીફન માનતા કે, વૈજ્ઞાનિક શોધખોળ ભલે સેક્સથી બહેતર નથી હોતી પણ એનો સંતોષ ઘણા લાંબા સમય સુધી રહેતો હોય છે. એઆઈ માટે સ્ટીફન હૉકીંસ સ્પષ્ટ હતા કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો સંપૂર્ણ રીતે વિકાસ માનવજાતના વિનાશનું કારણ બની શકે છે.

ધબકાર : ‘કલ્પના જ્ઞાનથી વધુ મહત્વની છે કારણ કે જ્ઞાન સીમિત છે.’    - સ્ટીફન હોકિન્સ

Advertisement
Tags :
Advertisement