મનોજકુમાર પંચતત્વમાં વિલિન થયાં, બોલીવુડની ભાવભીની વિદાય
મુંબઈઃ હિન્દી સિનેમાના પીઢ અભિનેતા મનોજ કુમારને, શનિવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. 'ભારત કુમાર'ના નામથી પ્રખ્યાત અભિનેતા મનોજ કુમાર હવે પાંચ તત્વોમાં ભળી ગયા છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. આ સન્માન ફક્ત સિનેમામાં તેમના અજોડ યોગદાન માટે જ નહીં, પરંતુ તેમની દેશભક્તિની ફિલ્મો અને સામાજિક ચિંતાઓ પ્રત્યેના તેમના સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે. મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના સિનેમા, આદર્શો અને વ્યક્તિત્વ હંમેશા ભારતીય સિને પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.
મનોજ કુમારના પત્ની શશી ગોસ્વામી, તેમના સ્વર્ગસ્થ પતિને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા હતા. ઘટનાસ્થળે હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી અને સમગ્ર વાતાવરણમાં ઊંડો શોક છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ માહિતી આપી હતી કે, મનોજ કુમાર છેલ્લા 2-3 અઠવાડિયાથી બીમાર હતા અને કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. શુક્રવારે સવારે 3:30 વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન સાથે જુહુ સ્મશાનગૃહમાં દિવંગત અભિનેતા મનોજ કુમારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. મનોજ કુમારના અંતિમ સંસ્કારમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અનુ મલિક, રાજ મુરાદ, પ્રેમ ચોપરા, બિંદુ દારા સિંહ, ઝાયેદ ખાન, સલીમ ખાન અને તેમના પુત્ર અરબાઝ ખાન મનોજ કુમારના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. બધાએ હાથ જોડીને તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપી. પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યાં ફિલ્મ ઉદ્યોગના લોકો તેમને ભાવનાત્મક વિદાય આપવા માટે હાજર રહ્યા હતા.
બહુ ઓછા લોકો જાણે છે કે, મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી હતું અને તેમનો જન્મ 1937માં થયો હતો. દેશભક્તિની ફિલ્મોમાં તેમના કામ કરવાની રીત જોઈને તેમને પ્રેમથી 'ભારત કુમાર' નામ આપવામાં આવ્યું. તેમના નિધનના સમાચાર બાદ માત્ર ફિલ્મ ઉદ્યોગ જ નહીં, સમગ્ર રાષ્ટ્ર શોકમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સુધીના દીગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યું.