મણિપુર: સાચવેતીના ભાગરૂપે ઈન્ટરનેટ અને ડેટા સેવાને બે દિવસ માટે બંધ કરાઈ
નવી દિલ્હીઃ મણિપુર સરકારે હિંસાના કારણે જીરીબામ જિલ્લા સહિત નવ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓના સસ્પેન્શનને બે દિવસ સુધી લંબાવ્યું છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ કાંગપોકપી જિલ્લામાંથી એક વ્યક્તિ ગુમ થઈ જવાની ઘટના સિવાય 18 નવેમ્બરથી નવ જિલ્લામાંથી કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. પરંતુ સાવચેતીના પગલા તરીકે મોબાઈલ અને ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
- મોબાઈલ ડેટા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી
ગૃહ કમિશનર એન. અશોક કુમારે પોતાના આદેશમાં કહ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા એવી આશંકા પર કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ તસવીરો, અભદ્ર ભાષા અને નફરતના વિડિયો ફેલાવવા માટે કરી શકે છે. જે લોકોની લાગણીઓને ભડકાવે છે. ત્યારે અગમચેતીના પગલા તરીકે રાજ્ય સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
- રાજકીય નેતાઓના ઘરો અને બંગલાઓ પર વ્યાપક હિંસા
15 અને 16 નવેમ્બરના રોજ જીરીબામ જિલ્લામાં ગુમ થયેલા ત્રણ બાળકો અને ત્રણ મહિલાઓના મૃતદેહ મળ્યા બાદ, ત્યારથી ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ સહિતના ખીણ જિલ્લાઓમાં ટોળાઓ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો અને રાજકીય નેતાઓના ઘરો અને બંગલાઓ પર વ્યાપક હિંસા થઈ હતી. નવેમ્બર 16 પછી મુખ્ય સચિવ વિનીત જોશીએ આ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓને બે દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.
- રેલી માટે સક્ષમ અધિકારીઓની પૂર્વ પરવાનગી જરૂરી છે
તે ઉપરાંત બે સપ્તાહ બાદ છ જિલ્લાઓમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 29 નવેમ્બરથી નિયમિત વર્ગો ફરી શરૂ થયા. હિંસાગ્રસ્ત છ જિલ્લાઓ - ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર, કકચિંગ અને જીરીબામમાં કર્ફ્યુ પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, કોઈપણ મેળાવડા અથવા રેલી માટે સક્ષમ અધિકારીઓની પૂર્વ પરવાનગી જરૂરી છે.