અમદાવાદમાં માણેકચોકની ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે
- AMC દ્વારા મેગા ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ફુડ માર્કેટ બંધ કરાશે
- હોળી-ધૂળેટી બાદ ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરાશે
- ડ્રેનેજનું કામ મહિનામાં પૂર્ણ થાય એવી શક્યતા નથી
અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં આવેલી ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માણેકચોક વિસ્તારમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવશે. તેના લીધે ઘળેટી બાદ ખાણીપીણી બજાર મહિનો બંધ રહેશે. મ્યુનિ. દ્વારા એક મહિનામાં ડ્રેનેજનું કામ પુરૂ કરવાની ગણતરી છે. જો કામ વધુ ચાલશે તો એટલો સમય ખાણીપીણી બજાર બંધ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમા માણેકચોકમાં આવેલી ખાણ પીણી બજાર સ્વાદ રસિયાઓ માટે જાણીતી છે. દેશ-વિદેશથી અમદાવાદની મુલાકાતે આવનારા ખાણીપીણી બજારની અવશ્ય મુલાકાત લેતા હોય છે. માણેકચોકમાં ખાણીપીણી બજાર સમીસાંજથી મોડી રાત સુધી ધમધમતી જોવા મળતી હોય છે. માણેકચોક વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવશે, ડ્રેનેજ લાઈન રિહેબીલીટેશનની કામગીરીના પગલે જરૂરિયાત અનુસાર માણેકચોક બંધ કરાશે. જેથી માણેકચોક ખાણીપીણી બજારને પણ થોડો સમય બંધ રાખવામાં આવી શકે છે. સંભવતઃ હોળીના તહેવાર બાદ માણેકચોકમાં કામગીરી શરૂ કરવાની તૈયારી છે.
અમદાવાદની ઓળખ છે માણેકચોક. આ માર્કેટ વગર અમદાવાદની ખાણીપીણી અધૂરી છે. આવામાં આ પ્રખ્યાત માર્કેટ થોડો સમય માટે બંધ રહેવાનું છે. મ્યુનિ. દ્વારા શહેરના મધ્ય ઝોનમાં 55 કરોડના ખર્ચે ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવશે. હાલ તેના સર્વેની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થયા બાદ રિહેબીલીટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક એક મહિનો બંધ રાખવામાં આવશે એવું મ્યુનિના સૂત્રો કહી રહ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાશે. તેથી હોળી બાદ માણેકચોક બંધ રાખવામાં આવી શકે છે. જો માણેકચોક બંધ રહે તો અહી ખાણીપીણીના વેપારીઓને મોટો ફટકો પડી શકે છે. તેમના ધંધા રોજગાર પર અસર પડી શકે છે. સાથે જ ખાણીપીણીના શોખીનોને એક મહિના સુધી દૂર રહેવું પડી શકે છે. જોકે, AMC ક્યારે કામગીરી શરૂ કરે છે, અને કેટલા સમયમાં પૂર્ણ કરે છે તે જોવું રહ્યું.