મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનાર નોઈડાથી ઝડપાયો
મુંબઈઃ મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનારા અશ્વિની નામના વ્યક્તિને પોલીસે નોઈડાથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલીને શહેરમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસએ નોઈડા પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત ટીમ બનાવી. ટીમે અશ્વિનીને નોઈડાના સેક્ટર-113 વિસ્તારમાં શોધી કસ્ટડીમાં લીધો અને તેને મુંબઈ પોલીસના હવાલે કર્યો.
પોલીસ મુજબ, આરોપીએ ગુરુવારે વોટ્સએપ પર સંદેશ મોકલીને દાવો કર્યો કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-જિહાદીના 14 આતંકીઓ મુંબઈમાં પ્રવેશી ગયા છે. તેણે વધુમાં જણાવ્યું કે 400 કિલો RDX શહેરભરના 34 વાહનોમાં ફિટ કરવામાં આવ્યો છે અને એક પછી એક વિસ્ફોટથી લાખો લોકોને મોતને ઘાટ ઉતારવાની યોજના છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 34 વાહનોમાં હ્યુમન બોમ્બ પણ છે, જે શહેરને હચમચાવી દેશે અને 1 કરોડથી વધુ લોકોના મોત થશે. આ ધમકી બાદ મુંબઈ પોલીસે તરત જ કાર્યવાહી કરી, સુરક્ષા વધારી અને બધી શક્ય દિશાઓમાં તપાસ શરૂ કરી. બૉમ્બ શોધ અને નિષ્ક્રિયકરણ દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને ઇન્ટેલિજન્સ યુનિટ્સે પણ દાવાની તપાસ હાથ ધરી.
મુંબઈ પોલીસે જણાવ્યું કે કોઈપણ ધમકીનો સામનો કરવા માટે તે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે પાર્કિંગ તથા બેસમેન્ટ સહિત તમામ સ્થળોની તપાસ કરવામાં આવી છે. આ ધમકી એ સમયે આવી જ્યારે ગણેશ ચતુર્થીના વિસર્જનનો કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો કે તે જ્યોતિષી તરીકે કામ કરે છે. પોલીસે તેના મોબાઇલ ફોનને કબજે કર્યો છે, જેના માધ્યમે ધમકી મોકલવામાં આવી હતી. હવે તેની માનસિક સ્થિતિ, હેતુ અને કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે કે નહીં તેની વિગતવાર તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દાવાની સત્યતા તપાસવા અને શહેરમાં કોઈ સુરક્ષા જોખમ ન રહે તે માટે વધુ તપાસ ચાલુ છે.