બે પુત્ર અને પત્નીની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કરનારા આરોપીને આજીવન કેદની સજા
- ભરૂચમાં દેવું થઈ જતા બે પૂત્ર પત્નીની હત્યા બાદ પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો,
- આરોપીએ હત્યાકાંડ માટે પોતે જવાબદાર હોવાનું સ્વીકારી ફાંસીની સજા માંગી હતી,
- આરોપી બચી જતા તે મહત્વનો પુરાવો સાબિત થયો,
ભરૂચઃ શહેરમાં સાત-આઠ વર્ષ પહેલા દેવુ વધી જતા આવેશમાં આવીને જગદીશભાઈ સોલંકી નામના વ્યક્તિએ પોતાના બે પૂત્રો અને પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સારવાર દરમિયાન જગદીશભાઈ બચી ગયા હતા. અને પોલીસે જગદીશભાઈ સામે હત્યાનો ગુનો નોંધીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. ભરૂચની સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી જગદીશ સોલંકીને કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
આ બનાવની વિગત એવી હતી કે, ભરૂચના ભોલાવ ખાતે તુલસીધામ શાકમાર્કેટ પાસેના શ્રી રંગકૃપા બંગલોઝમાં કોકિલાબેન પટેલના મકાનના નીચેના ભાગે ભાવનગરના રહેવાસી જગદીશભાઈ દેવજીભાઈ સોલંકી ભાડેથી રહેતા હતા. જગદીશભાઈ પાનોલી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. વર્ષ 2018માં કોકીલાબેન પૌત્રીને ટ્યુશન ક્લાસ મુકવા જઈ રહ્યા હતા તે વખતે જગદીશભાઈએ તેમને બૂમો પાડી બોલાવ્યા હતા. ઘરમાં જગદીશભાઈ સાથે આખો પરિવાર લોહી લુહાણ હાલતમાં હોય પત્ની અને બંને પુત્રોના મોત થયા હતા.આ અંગે પોલીસને જાણ કરાતા ઇજાગ્રસ્ત જગદીશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘરના આગળના રૂમમાં તથા રસોડામાં લોહીથી લથપથ બે ચાકુ મળી આવ્યા હતા. જેથી કોકીલાબેને હત્યાકાંડને અંજામ આપનાર જગદીશ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા ભરૂચ સી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસ ભરૂચના પ્રિન્સિપાલ ડી. જજ આર.કે.દેસાઈની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તરીકે પી. બી. પંડ્યાએ દલીલો કરી હતી. નામદાર કોર્ટે આરોપી જગદીશ સોલંકીને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કારવાસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 મુજબના નિવેદનમાં એક પછી એક પોતાના પરિવારના સભ્યોને કેવી રીતે મારી નાખ્યા તેનું વર્ણન કરી ફરિયાદ પક્ષનો કેસ સ્વીકારી ફાંસીની સજાની માંગણી કરી હતી. સમગ્ર પરિવારને મોતના મુખમાં ધકેલી આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેજિસ્ટ્રેટ રૂબરૂમાં આરોપીએ ગુનાને અંજામ આપી પોતાના પરિવારની કત્લેઆમ કરી હોવાની કબુલાત કરી હતી.
આરોપીએ નામદાર કોર્ટમાં લેખિત નિવેદન આપ્યું હતું કે, બેંક લોનના હપ્તા ભરપાઈ ન થતા તણાવમાં આવી પરિવારને ખતમ કરવાનું નક્કી કર્યું હતું. પત્ની વંદનાને પાણી આપવાનું કહી તેના ગળા ઉપર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ સાત મહિનાનો પુત્ર વેદાંત અને અઢી વર્ષની પુત્રી રૂપાલીને મનભરી વ્હાલ કર્યા બાદ તેમના ગળાના ભાગે ચાકુના ઘા મારી હત્યા કરી હતી. અને પોતે ગળા તથા હાથના કાંડા પર ચાકુ મારી આપઘાતની કોશિશ કરી હતી.