For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલા શખસે PIની રિવોલ્વર છીનવી હુમલો કરતા ફાયરિંગ

05:02 PM Sep 12, 2025 IST | Vinayak Barot
અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલા શખસે piની રિવોલ્વર છીનવી હુમલો કરતા ફાયરિંગ
Advertisement
  • રામોલના જમીન દલાલનું અપહરણ કરી 52 લાખની ખંડણી વસુલી હતી,
  • પોલીસે ખંડણીખોર ટોળકીને દબોચી લીધી હતી,
  • પોલીસે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં રહેતા જમીનદલાલનું અપહરણ કરી દાગીના અને રોકડ મળીને 52.50 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ જતાં 6 આરોપીની રામોલ પોલીસે દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. જમીનદલાલના કૌટુંબિક ભાણિયાએ જ મામાને લૂંટવા માટે વસ્ત્રાલ વિસ્તારમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગ્રામસિંહ સિકરવારને ટિપ્સ આપી હતી. એના આધારે ભેગા મળી જમીનદલાલનું અપહરણ કરી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછતાછ કરવામાં આવી રહી હતી ત્યારે આરોપી સંગ્રામસિંહ સિકરવારે ક્રાઈમ બ્રાન્ચના PIની રિવોલ્વર છીનવી પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ક્રાઈમ બ્રાન્ચના અન્ય અધિકારીએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં પગમાં ગોળી વાગતાં આરોપી ઢળી પડ્યો હતો. હાલમાં આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અત્યારે આરોપીની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયને જણાવ્યું હતું કે આરોપી સંગ્રામ સિકરવરે પોલીસ ઈન્સ્પેકટર એસ. જે. જાડેજાની પિસ્તોલ ઝૂંટવી હુમલો કર્યો હતો. પીઆઈ સાથે ઝપાઝપી દરમિયાન ફાયરિંગ થયું હતું. આરોપી અત્યારે સારવાર હેઠળ છે. આરોપી વિરુદ્ધ પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવશે.

આ બનાવની વિગતો એવી હતી કે,  શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગ્રામસિંહ સિકરવાર અને તેના સાગરીતો દ્વારા વટવાના જમીનદલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાની ખંડણીને રકમ લઈ ફરાર થઈ ગયા હતા, જેની રામોલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. 11 સપ્ટેમ્બરને ગુરુવારે મોડીરાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંગ્રામસિંહ સહિતના આરોપીની કસ્ટડી લેવા માટે રામોલ પોલીસ ગઈ હતી. ત્યારે જ્યારે તેને પોલીસની જીપમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ સંગ્રામસિંહે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇની રિવોલ્વર છીનવી લીધી હતી. અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ કરતાં તાત્કાલિક કોઈ ઘટના ન બને અને આરોપી ફરાર ન થઈ જાય એ માટે ક્રાઈમ બ્રાન્ચના અન્ય અધિકારીએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી સંગ્રામસિંહના પગમાં ગોળી મારી હતી, જેથી આરોપી ઢળી પડ્યો હતો. તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચના અન્ય અધિકારી અને કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આરોપી સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર (રહેવાસી વસ્ત્રાલ, અમદાવાદ; મૂળ ગ્વાલિયર, એમ.પી.) સામે કુલ નવ ગુના નોંધાયેલા છે. એમાં હિંસક ગુનાઓ, જૂથહિંસા તથા ખંડણી તેમજ ગંભીર ગુનાઓ, હત્યા,પ્રાણઘાતક હુમલા, અપહરણ તથા પ્રોહિબિશન એક્ટ અને GP એક્ટના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ તથા હિંસક સ્વભાવ માટે કુખ્યાત છે અને અનેક હત્યાના બનાવોમાં પણ જવાબદાર છે.

Advertisement
Tags :
Advertisement