છાપીમાં બિલ્ડરને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી છેતરપિડી કરનારો શખસ પકડાયો
- બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી,
- ડીવાયએસપીના સ્વાંગમાં પોતે મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું કહ્યુ હતુ.
- બિલ્ડર પાસેથી 38 લાખ ઉછીના લઈ ગયો હતો
પાલનપુરઃ નકલી પોલીસના સ્વાંગમાં તોડબાજી અને છેતરપિંડની બનાવો બનતા હોય છે ત્યારે બનાસકાંઠામાં વધુ એક ડીવાયએસપીના સ્વાંગમાં છેતરપિંડી કરતા શખસને પોલીસે પકડી પાડ્યો છે. વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાયએસપી હોવાની ઓળખ આપી શખ્સ રૂપિયા 38 લાખ ઉછીના લઇ ગયો હતો. જે વાયદા પ્રમાણે પરત આપ્યા નહતા. આથી તપાસ કરતાં શખસ નકલી ડીવાયએસપી હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નકલી ડીવાયએસપી જીતેન્દ્ર રાઠોડને ઝડપી લીધો હતો.
બનાસકાંઠામાંથી એક નકલી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (Dy SP)ને ઝડપી લીધો છે. આરોપીએ પોતાની ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખ આપીને એક કોન્ટ્રાક્ટરને બાટલીમાં ઉતારીને એક-બે નહીં 38 લાખની છેતરપિંડી આચરી હતી. જોકે, કોન્ટ્રાક્ટરને ખ્યાલ આવતા તેમણે તુરંત પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, છાપીની શુકુન વિલા બગ્લોઝમાં છ માસ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈનો જીતેન્દ્રસિંહ ઉદેશીંહ રાઠોડ પોતે ડીવાયએસપી હોવાનું અને મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી શુકુન વિલામાં એક મકાન રૂપિયા પચાસ હજાર બાનું આપી ત્રીસ લાખમાં વેચાણથી લીધું હતું. જોકે,મકાનનું કામ અધૂરું હોવાના કારણે અન્યનું મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો.જે અવારનવાર બિલ્ડરની ઓફીસમાં આવી બેસતો હતો.દરમિયાન 20 ફેબ્રુઆરી2025ના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી અને તેમના ભાઇ ધનરાજભાઈ હાજર હતા ત્યારે જીતેન્દ્ર રાઠોડ ત્યાં આવ્યો હતો.અને ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે 70 લાખમાં જમીન ખરીદી છે. તેમ કહી પંદર દિવસ માટે નાણાંની માંગણી કરી હતી. જ્યાં બિલ્ડરે તેને રૂપિયા 38 લાખ રોકડા ઉછીના આપ્યા હતા.જોકે વાયદા મુજબ નાણાં પરત ન આપતા અને ડીવાયએસપી ફરાર થઇ જતાં બિલ્ડરે તપાસ કરાવી હતી.જેમાં જીતેન્દ્ર રાઠોડ નામે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઇ ન હોવાનું સામે આવ્યું હતુ. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં વિજયભાઇ ચૌધરીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નકલી ડીવાયએસપીને વડગામ કોર્ટમાં રજુ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યાં ન્યાયાધીશે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં નકલી ડીવાયએસપીને અન્ય વ્યકિતઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તેની પુછપરછ કરાશે.
છાપી હાઇવેથી ટીમ સાથે નકલી ડીવાયએસપીને તેની ખાનગી કાર સાથે ઝડપી લીધો છે. જેની પાસેથી મોડાસાના કુંડાસણ ગામ તેમજ યાત્રાધામ અંબાજીના રહેઠાણનું આધારકાર્ડ સહિતના દસ્તાવેજો કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.જે. ગામીતની સૂચના મુજબ છાપી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. વાઘેલા અને તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.