આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીને ફટકારવામાં આવેલી સજાથી મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો અસંતોષ
કોલકાતાઃ આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, તેઓ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું હતું કે, “આપણે બધાએ મૃત્યુદંડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. હું સંતુષ્ટ નથી.
પોતાની નારાજગી વ્યક્ત કરતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, “અમે શરૂઆતથી જ મૃત્યુદંડની માંગ કરી રહ્યા છીએ, પરંતુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જો કેસ સીબીઆઈને સોંપવામાં ન આવ્યો હોત અને અમારા હાથમાં હોત, તો મૃત્યુદંડની સજા ઘણા સમય પહેલા આપવામાં આવી હોત. હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી.
એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું હતું કે, “અમે મૃત્યુદંડ ઇચ્છતા હતા. એવું ન થયું. પીડિત પરિવાર પૈસા માંગતો નથી. બંગાળના લોકો એવું નથી માનતા કે આમાં ફક્ત એક જ વ્યક્તિ સામેલ હતી, તપાસ થવી જોઈએ. કોર્ટે કહેવું જોઈતું હતું કે સંજય દ્વારા નામ આપવામાં આવેલા લોકોની તપાસ થવી જોઈએ. દરમિયાન, કોર્ટના નિર્ણય સામે પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટ, જોઈન્ટ ફોરમ ઓફ ડોક્ટર્સ અને અભય માર્ચના વિરોધીઓ દ્વારા સિયાલદાહ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોલકાતાની સિયાલદાહ સેશન્સ કોર્ટે આખરે સોમવારે આ કેસમાં આરોપીને સજા ફટકારી હતી. કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. આરજી કાર કેસમાં, પીડિત પરિવારે ગુનેગારને મહત્તમ સજાની માંગ કરી હતી. કોર્ટે પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે, પરંતુ મૃતક મહિલા ડોક્ટરના પિતાનું કહેવું છે કે તેમને કોઈ વળતર નહીં પણ ન્યાય જોઈએ છે.