કચ્છના ઘાંસિયા મેદાનમાં ટેન્ટ સિટી બનાવવા સામે માલધારી સમાજનો વિરોધ
- બન્નીના ઘાંસિયા મેદાનમાં ટેન્ટ હોટલ અને રિસોર્ટની મંજુરી રદ કરો,
- ગૌચરની જમીન પર ટેન્ટ સિટી બનાલાશે તો માલધારીઓ ગાયોને ક્યાં ચરાવશે ?,
- જેસીબી મશીનો દ્વારા ઘાંસ ઉખેડવામાં આવતું હોવાની રાવ
ભુજઃ કચ્છના બન્ની વિસ્તારના ઘાસના મેદાનો પર ચિત્તા અને હરણોના વસવાટ માટેની સરકારે યોજના બનાવી છે, આમતો ઘાસિયા મેદાનો પશુ ચારણ માટે આ વિસ્તારના માલધારીઓની આજીવિકા પુરી પાડે છે. બન્ની વિસ્તારમાં ધોરડો જૂથ પંચાયતમાં રણ ઉત્સવની પૂર્વ બાજુ ઊંડો, સીણીયાડો, પનાવારી, પટગાર અને અન્ય માલધારીઓ માટે આશ્રય સમાન અને મહત્વની ગૌચર ભૂમિ છે. સરકારે આ વિસ્તારનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ટેન્ટસિટી, હોટલ્સ અને રિસોર્ટ બનાવવાની મંજુરી આપી દીધી છે. આથી આ વિસ્તારના માલધારીઓમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે. અને ઘાસિયા મેદાનોમાં ટેન્ટસિટી, હોટલ્સ, રિસોર્ટ બનાવવા માટે અપાયેલી મંજૂરી રદ કરવા અંગે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના સર્વે હોદેદારો, કારોબારી સભ્યો, બન્ની વિસ્તારના ગામડાના સરંપચો આગેવાનો અને બન્નીના માલધારીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
ભુજ તાલુકાના બન્ની વિસ્તારના ધોરડો જૂથ ગ્રામ પંચાયતના ઊંડો, સીણીયાડો, પનાવારી, પટગાર અને અન્ય માલધારીઓ માટે મહત્વની અગત્યની ગૌચર ભૂમિ છે. ત્યાં વર્ષ 2018માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીન સુધારણાના પ્રોજેક્ટ હેઠળ ત્રણ પ્લોટ બનાવ્યા હતા. બન્નીના ડીમાર્કેશન સમયે કંપનીઓના દબાણ હેઠળ અડધા પ્લોટ ડિમાર્કેશનમાં બન્નીની હદ બહાર કાઢી નાખ્યા હતા. હાલ એ જમીન પર ઘાસ ઉગી નીકળ્યું છે. તેમજ અન્ય વનસ્પતિ અને દેશી બાવળ ઊગી નીકળ્યા છે. જે જગ્યા પર અમુક બહારની વગદાર પાર્ટીઓને ટેન્ટ લગાવવાની મંજૂરી આપેલી છે. જેથી એ જમીનમાં જેસીબી વગેરે જેવા ઘાતક સાધનોથી ઘાસ ઉખેડીને ચરિયાણ ભૂમિને નુકસાન કરવામાં આવી રહ્યું છે. આથી ધોરડો જૂથ ગ્રામ પંચાયતના ઊંડો, સીણીયાડો, પનાવારી, પટગાર અને અન્ય આજુબાજુ વિસ્તારના લોકોએ વિરોધ કર્યો છે. આ તમામ ગામના પશુઓને ચરિયાણ માટે ઉંચાણવાળી જગ્યા નહોતી. આ એક જ ચરિયાણ માટે આશ્રય સ્થાન હતું. જે જગ્યા પર જમીન ફાળવણી સમય ભુજ મામલતદારએ સ્થાનિક લોકોને અને પંચાયતને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લીધો હતો તેની સામે વિરોધ ઊભો થયો છે.
ગૌચર જમીન પર ટેન્ટ, રિસોર્ટ ઊભા કરવાની પરવાનગી આપવા બદલ માલધારી સમાજમા રોષની લાગણી છે. તેમજ અબોલ પશુઓની ચરિયાણની જગ્યા સલામત રહે તે માટે અપાયેલી ટેન્ટની મજૂરી સત્વરે રદ કરવા માટે મામલતદાર ભુજને યોગ્ય સૂચનો કરવામાં આવે અન્યથા આવનારા સમય આ આદેશનું સખત વિરોધ કરવામા આવશે અને જરૂર પડ્યે કાનુની રાહે પગલાં લેવાની ફરજ પડશે, તેવું માલઘારીઓએ જણાવ્યું હતું. તો જો બળજબરીથી પોલીસ પ્રશાસનનું સહારો લઈ અને ટેન્ટ ઊભા કરવામાં આવશે. તો માલધારીઓ દ્વારા સ્થળ પર વિરોધ પ્રદર્શન કરશે, જોકે માલધારીઓની રજુઆત બાદ કલેક્ટરે યોગ્ય કરવાની ખતારી આપી હતી.