અમેરિકામાં મોટી દુર્ઘટના, સેનાના હેલિકોપ્ટર સાથે પેસેન્જર પ્લેન અથડાયું, વોશિંગ્ટન એરપોર્ટ બંધ
વોશિંગ્ટન ડીસી નજીક રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) પાસે એક ભયાનક પ્લેન ક્રેશ થયો છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર પ્લેન મધ્ય હવામાં આર્મીના હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું. એરલાઈન સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 64 મુસાફરો સવાર હતા. PSA એરલાઇન્સ એ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા હતી.
રોઇટર્સના રિપોર્ટ અનુસાર, અકસ્માત બાદ વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર તમામ ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ મુદ્દે અમેરિકન સેનેટર ટેડ ક્રુઝે ટ્વીટ કરીને કહ્યું કે આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. જો કે હજુ સુધી મૃતકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થઈ નથી.
પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક વધી રહ્યો છે
BNOના રિપોર્ટ અનુસાર, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ નંબર 5342 આર્મીના હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી, ત્યારબાદ બંને પોટોમેક નદીમાં પડી ગયા હતા. આ દરમિયાન પ્લેનમાં 64 અને હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા. અકસ્માત બાદ ચાર લોકોને બચાવી લેવાયા છે. યુએસ પ્લેન ક્રેશમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન નદીમાંથી 19 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આશંકા છે કે મૃત્યુઆંક આનાથી વધુ વધી શકે છે.
અમેરિકન એરલાઈન્સે ઘટના પર પોતાના નિવેદનમાં શું કહ્યું?
અમેરિકન એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે આ બાબતથી વાકેફ છીએ, જેમાં માહિતી સામે આવી છે કે પીએસએ દ્વારા સંચાલિત અમેરિકન ઈગલ ફ્લાઈટ 5342 ક્રેશ થઈ ગઈ છે. આ અંગે વધુ માહિતી હવે પછી આપવામાં આવશે.
દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના
યુએસ પ્લેન ક્રેશ પહેલા, ડિસેમ્બર મહિનામાં દક્ષિણ કોરિયામાં એક ખતરનાક પ્લેન ક્રેશ થયો હતો, જેમાં ફ્લાઈટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત જેજુ એર બોઇંગ 737-800 બેંગકોકથી દક્ષિણ કોરિયા આવી રહ્યું હતું. પ્લેનમાં સવાર મોટાભાગના લોકો ક્રિસમસની રજાઓ મનાવવા જઈ રહ્યા હતા.