કાંગોમાં ખનન દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાઈ, 50ના મોતની આશંકા
નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વી કાંગોના લુઆલાબા પ્રાંતના મુલૉન્ડો શહેર નજીક કાલાંડો માઈનમાં દુર્ઘટના સર્જાઈ હતી. કોબાલ્ટ ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થતા તેના સાથે જોડાયેલો પુલ પણ તૂટી પડ્યો હતો, જેને કારણે કાળમાળમાં ફસાયેલા ઓછામાં ઓછા 50 લોકોના મૃત્યુ થયા છે. 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ સાથે નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાળમાળ નીચે દટાયેલા લોકોની ચીસો સ્પષ્ટ સાંભળાઈ રહી છે.
લુઆલાબાના ગૃહ પ્રધાન રોય કાઉમ્બાએ જણાવ્યું કે, ખાણ ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને કારણે અગાઉથી બંધ જાહેર કરાઈ હતી. છતાંય, કામદારો સુરક્ષા સૂચનાઓનો ભંગ કરીને અંદર પ્રવેશી ગયા હતા. સુરક્ષા દળોએ તેમને બહાર કાઢવા માટે હવાઈ ફાયરિંગ કરતાં જ નાસભાગ મચી હતી અને લોકો પુલ તરફ દોડયા હતા. એ દરમિયાન ખાણનો મોટો ભાગ ધરાશાયી થયો અને પુલ પણ તૂટી પડ્યો, જેના કારણે ભારે કાળમાળ લોકો પર પડ્યો હતો.
વાયરલ વીડિયોમાં ખાણ અચાનક તૂટી પડતી દેખાઈ રહી છે અને ધૂળના ગોટાડા વચ્ચે કામદારો જીવ બચાવવા દોડતા નજરે પડે છે. અનેક લોકો દબાઈ જવાથી અથવા શ્વાસ રુદ્ધ થવાથી મોતને ભેટ્યા છે. આ ઘટના બાદ માનવ અધિકાર પંચે આ સમગ્ર ઘટનાક્રમમાં સુરક્ષા દળો, સ્થાનિક પ્રશાસન અને પોલીસની ભૂમિકા પર તપાસની માંગણી કરી છે.
કાંગો વિશ્વનો સૌથી મોટો કોબાલ્ટ ઉત્પાદક દેશ છે, જે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી ઉદ્યોગ માટે અગત્યનો ખનિજ છે. પરંતુ ગરીબી, ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ખનનની વિપરીત પરિસ્થિતિઓને કારણે ખાણોમાં અકસ્માતો સામાન્ય બની ગયા છે. બાળમજૂરી અને સુરક્ષાના અભાવને કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર સર્જાઈ રહી છે.
કોબાલ્ટ ઉત્પાદન પર ચીનનો પ્રભાવ અને સ્થાનિક પ્રણાલીમાં વ્યાપક ભ્રષ્ટાચારને કારણે કાંગોની ખનન પરિસ્થિતિ અત્યંત જોખમી ગણાય છે. આ ઘટનાએ માત્ર સ્થાનિક સમુદાયને જ હચમચાવી દીધા નથી, પરંતુ વૈશ્વિક બજારમાં પણ સુરક્ષા અને મજૂરી ધોરણોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.