દેશમાં વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર, લદાખમાં ચાર ગણો અને મેઘાલયમાં સામાન્ય વરસાદ
નવી દિલ્હીઃ આ વર્ષે ભારતના ચોમાસાએ પરંપરાગત વરસાદી પેટર્ન બદલી નાખ્યા છે. ગુજરાતમાં ચોમાસામાં રેકોર્ડ 50.50 ઈંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ચાર વર્ષથી સતત વધી રહ્યો છે. બીજી બાજુ, કોલ્ડ ડેઝર્ટ (ઠંડુ રણ) તરીકે ઓળખાતા લદાખમાં સામાન્ય કરતા ચાર ગણો વધુ 64 મીમી (અઢી ઈંચ) વરસાદ નોંધાયો છે, જે 298 ટકા વધારે છે. જ્યારે સૌથી વધુ વરસાદ માટે પ્રખ્યાત મેઘાલયમાં માત્ર 49 ઈંચ વરસાદ થયો છે, જે સરેરાશ 85 ઈંચ સામે 43 ટકા ઓછો છે.
ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસ્યો છે. રણપ્રદેશ રાજસ્થાનમાં સામાન્ય 14 ઈંચ સામે આ વર્ષે 22 ઈંચ (56% વધારે) વરસાદ નોંધાયો છે. આ દર્શાવે છે કે સમગ્ર દેશમાં વરસાદ સામાન્યની સરખામણીએ વધારે રહ્યો છે. કારગિલ મ્યુનિસિપલ કમિટિ અનુસાર, લદાખ હિમાલયની રેઇન શેડોમાં આવેલું છે, એટલે અહીં વરસાદ નહિવત રહે છે. અહીંનું તાપમાન -48° સે. સુધી ઊતરી જાય છે, તેથી તેને “કોલ્ડ ડેઝર્ટ” કહેવાય છે. પરંતુ આ વર્ષે અસામાન્ય રીતે ભારે વરસાદે આ પરિચિત પેટર્નને બદલી નાખ્યો છે.