દવાઓ અને ખોરાકની ગુણવત્તા અંગે કર્ણાટકમાં મોટી કાર્યવાહી, 133 ડ્રગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા
બેંગ્લોરઃ કર્ણાટકમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે નિયમોના ઉલ્લંઘનના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત, વિભાગે જૂન મહિનામાં 133 ડ્રગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 20 લાઇસન્સ રદ કર્યા છે. ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940 ના નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનો અને કંપનીઓ પર આ પગલું લેવામાં આવ્યું છે. વિભાગ દ્વારા જૂનમાં કુલ 2,544 નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેંગ્લોર, હુબલી અને બલ્લારીની સરકારી પ્રયોગશાળાઓમાં 1,333 દવાઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી, 1,292 નમૂના સાચા હોવાનું જાણવા મળ્યું, જ્યારે 41 નમૂના નબળી ગુણવત્તાના હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, ખરાબ દવાઓ, જેની કિંમત રૂ. 40 લાખથી વધુ હતી, બજારમાંથી પાછી ખેંચવમાં આવી હતી તેમજ જપ્ત કરાઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં, વિભાગે નિયમોનો ભંગ કરતી કંપનીઓ સામે કોર્ટમાં 81 કેસ દાખલ કર્યા છે. આ માટે, રાજ્યભરમાં 122 બ્લડ સેન્ટરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 44 સેન્ટરોને નોટિસ ફટકારવામાં આવી હતી અને 80 સેન્ટરોને સુધારવાની સૂચના આપવામાં આવી હતી. આ કિસ્સામાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ જૂન મહિનામાં 1,557 સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 406 દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્થળ પર જ રૂ. 44,500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે, વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવા નિરીક્ષણ નિયમિતપણે ચાલુ રહેશે.