પાકિસ્તાન સેનાની મોટી કાર્યવાહી, 4 આત્મધાતી હુમલાખોર સહિત 25 આતંકી ઠાર કરાયાં
પાકિસ્તાન હવે પોતાના કૃત્યોનું ફળ ભોગવી રહ્યું છે. આતંકવાદને આશ્રય આપનાર આ દેશ આજે આતંકના ખપ્પરમાં સપડાયો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર આત્મઘાતી હુમલાખોરો સહિત 25 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. પાકિસ્તાની સેનાએ જણાવાયું હતું કે, આ બધા આતંકવાદીઓ અફઘાનિસ્તાન તરફથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પાકિસ્તાનની સેનાના જણાવ્યા મુજબ આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ રાત્રે ઉત્તર વઝીરીસ્તાન અને કુરમ જિલ્લાઓમાં ચલાવેલી કાર્યવાહી દરમિયાન હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. દળોએ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા બે મોટા આતંકી જૂથોની હિલચાલનો પત્તો લગાવ્યો હતો.
સેનાના નિવેદનમાં જણાવાયું છે કે સુરક્ષા દળોએ આતંકવાદી જૂથો સામે અસરકારક રીતે લડત આપી અને ‘ફિતના અલ ખ્વારિજ’ સંગઠન સાથે જોડાયેલા ચાર આત્મઘાતી હુમલાખોરો સહિત 15 ખ્વારિજ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તે જ દિવસે કુરમ જિલ્લાના ગાકી વિસ્તારમાં ઘુસણખોરી કરી રહેલા 10 વધુ આતંકવાદીઓને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. તેમની પાસેથી હથિયાર, ગોળાબારૂદ અને વિસ્ફોટકોનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.
પાકિસ્તાન સરકારે ગયા વર્ષે પ્રતિબંધિત સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP)ને ‘ફિતના અલ ખ્વારિજ’ તરીકે ઘોષિત કર્યું હતું. આ નામ ઇસ્લામી ઇતિહાસના એક એવા જૂથને સંબોધે છે જે હિંસાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ હતું.
છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં. આ હુમલાઓમાં આતંકવાદીઓ મોટાભાગે પોલીસ, કાયદો અને વ્યવસ્થા જાળવનારા અધિકારીઓ તેમજ સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. 2022માં પ્રતિબંધિત TTPએ સરકાર સાથેના સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યા બાદ આ હુમલાઓમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે પણ સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં વિવિધ કાર્યવાહી દરમિયાન 34 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.