મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિકેટરોને પણ શીશામાં ઉતાર્યા હતા
- પાંચ ક્રિકેટરોએ ભૂપેન્દ્રસિંહની BZ ગૃપમાં રોકોણ કર્યુ હતું,
- રોકોણ કરવામાં અનેક તબીબોનો પણ સમાવેશ,
- એજન્ટ બનેલા શિક્ષકો હવે ફફડી રહ્યા છે
અમદાવાદઃ પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને લલચાવીને રોકાણો કરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોને શીશામાં ઉતાર્યા છે. જેમાં જાણીતા ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર ઝાલાના BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. જેમાં ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ જાણવા મળ્યા છે. આ ઉપરાંત એક્ટર સોનુ સૂદના નામની પણ તપાસ થઈ રહી છે.
મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના કરોડોના કૌભાંડની સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જાણીતા ક્રિકેટરોએ રોકાણ કર્યાની વિગતો મળી છે. કહેવાય છે કે, ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં છે. આ ઉપરાંત એક્ટર સોનુ સૂદના નામની પણ તપાસ થઈ રહી છે. કારણ કે, સોનુ સૂદ ભુપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. સમગ્ર કૌભાંડ કર્યા બાદ અને રોકાણકારોને નવડાવ્યા બાદ હવે ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. આરોપી વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા છે.
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને રોકાણ માટે અનેક તરકીબો અપનાવતો હતો. મોટા ભાગે શાળાઓના શિક્ષકોને એજન્ટ તરીકે રાખ્યા હતા. હાલ તેના વિડિયો સાશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકોના પૈસે ઠગ ભુપેન્દ્ર ઝાલા સાધુ-સંતોને હેલિકોપ્ટરમાં પ્રવાસ કરાવતો હતો. ઠગ ભુપેન્દ્ર ઝાલા હેલિકોપ્ટરમાં સાધુ સંતોને મોજ કરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઠગ ભુપેન્દ્ર ઝાલાના નવાબી ઠાઠ જોઈ રોકાણકારોને હવે પોતાના રૂપિયા ભૂલી જવાના દિવસો આવ્યા છે.