મહારાષ્ટ્ર: કેબિનેટમાં સ્થાન ન મળતા શિવસેનાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું
મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, ભોંડેકરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને કેબિનેટમાં સ્થાન આપવાનું વચન આપ્યું હતું.
ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વ વિદર્ભ જિલ્લાઓના સંયોજક છે. ભોંડેકરે કહ્યું કે તેઓ ભંડારા જિલ્લાના પાલક મંત્રી બનવા અને તેના વિકાસ માટે કામ કરવા માટે કેબિનેટમાં સ્થાન મેળવવા ઈચ્છે છે. તેમણે 20 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં ભંડારા મતદારક્ષેત્રથી તેમના કોંગ્રેસના પ્રતિસ્પર્ધીને 38,000 થી વધુ મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી.
દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં મહાયુતિના સાથી પક્ષોના કુલ 39 ધારાસભ્યોએ રવિવારે શપથ લીધા, જેમાં 16 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. દસ પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શક્યું નથી. ભારતીય જનતા પાર્ટી (BJP), સાથી પક્ષોમાં સૌથી મોટી પાર્ટી હોવાથી, 19 મંત્રીપદ મેળવ્યા જ્યારે શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 11 અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ને 9 મંત્રીપદ મળ્યા છે.
ભોંડેકરે કહ્યું, “હું શિવસેનામાં એ શરતે જોડાયો હતો કે મને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. શિંદેએ પણ મને આ વચન આપ્યું હતું. જ્યારે શિંદે પાછલી સરકારમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે હું એક સ્વતંત્ર ધારાસભ્ય હતો અને મેં તેમને ટેકો આપ્યો હતો.'' શિવસેનાના નેતાએ દાવો કર્યો હતો કે છેલ્લી કેબિનેટ વિસ્તરણ દરમિયાન પણ (અગાઉની મહાયુતિ સરકારના) પદ માટે તેમના નામની વિચારણા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, “જ્યારે મેં કેબિનેટની યાદી જોઈ તો મને જાણવા મળ્યું કે મારો સમાવેશ કરવામાં આવ્યો નથી, પછી મેં પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું, ભોંડેકરે કહ્યું, “મારી પાસે કોઈ પદ સંભાળવાની માનસિકતા નથી. મેં પક્ષના નેતાઓને મારું રાજીનામું સોંપ્યું છે અને તેમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યો છું.