મહારાષ્ટ્ર: મુંબઈ પોલીસે કુણાલ કામરાને સમન્સ મોકલ્યું, પૂછપરછ માટે બોલાવ્યા
- ખાર પોલીસ સમક્ષ હાજર થવા કરાયું ફરમાન
- કામરા સામે નોંધાયેલા કેસ સબબ મોકલાયું સમન્સ
- એકનાથ શિંદે વિશે ટીપ્પણી કરતા વિવાદ વકર્યો
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે 'સ્ટેન્ડ-અપ કોમેડિયન' કુણાલ કામરાને નોટિસ પાઠવી છે. આ કેસમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે કામરાને તેમની સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં ખાર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી નહીં માંગે. આ સાથે, તેમણે મુંબઈમાં જ્યાં 'કોમેડી શો' રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી.
શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં 'હેબિટેટ કોમેડી ક્લબ'માં તોડફોડ કરી હતી, જ્યાં કામરાના શોનું શૂટિંગ થયું હતું. આ કાર્યક્રમમાં, તેમણે "દેશદ્રોહી" શબ્દનો ઉપયોગ કરીને શિંદે પર કટાક્ષ કર્યો હતો. રવિવારે રાત્રે 'હોટેલ યુનિકોન્ટિનેન્ટલ' ની બહાર મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો એકઠા થયા હતા જ્યાં સંબંધિત ક્લબ આવેલી છે. 'હેબિટેટ ક્લબ' એ જ જગ્યા છે જ્યાં વિવાદાસ્પદ શો 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'નું શૂટિંગ થયું હતું. વર્ષ 2022 માં તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે શિંદેના બળવાનો ઉલ્લેખ કરતા, કામરાએ તેમના શોમાં ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' ના એક ગીતનું સુધારેલું સંસ્કરણ ગાયું હતું.