મહારાષ્ટ્રઃ સાંગલીના એક પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ ગેસ લીકેજ, 3 વ્યક્તિના મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલી ખાતે એક ખાતર પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ગેસ લીકેજના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે મહિલા સહિત 3 વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે નવ વ્યક્તિ અસરગ્રસ્ત થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં પાંચ વ્યક્તિઓની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આ ઘટના કેવી રીતે બની તે લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ખાતર પ્લાન્ટના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં ગેસ લીકેજને કારણે બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કડેગાંવ તહસીલના શાલગાંવ MIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે ખાતર પ્લાન્ટ રાસાયણિક ધુમાડો છોડતો હતો ત્યારે વિસ્ફોટ થયો હતો.
કડેગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સંગ્રામ શેવાળેએ જણાવ્યું હતું કે, "ગેસ લીક થવાને કારણે યુનિટમાંથી લગભગ 12 લોકોને અસર થઈ હતી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી બે મહિલા કર્મચારી અને એક સુરક્ષા ગાર્ડનું મૃત્યુ થયું હતું." નવ લોકો અસરગ્રસ્ત થયા છે, તેમની સારવાર ચાલુ છે."
સાંગલીના પોલીસ અધિક્ષક સંદીપ ઘુગેએ જણાવ્યું કે એમોનિયા ગેસ હોવાની આશંકા છે. ઘાયલોમાંથી સાતને કરાડની સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી પાંચ ICUમાં છે. મૃતકોની ઓળખ સાંગલી જિલ્લાના યેતગાંવની સુચિતા ઉથલે અને સાતારા જિલ્લાના મસુરની નીલમ રેથરેકર તરીકે થઈ છે.