મહારાષ્ટ્ર ચૂંટણીઃ મતગણતરીમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તારણોથી ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધનનું ભારે ધોવાણ થયું છે. મહાયુતિ મતગણતરીમાં આગળ હોવાથી ભાજપા, શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર)ના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ છે. તેમજ મહાયુતિ દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 288 બેઠકો ધરાવતી વિધાનસભાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. એક જ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં લગભગ 60 ટકા જેટલુ મતદાન થયું હતું. આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. પ્રાથમિક તારણોથી મહાયુતિ આગળ હતી. સવારના લગભગ 11.30 કલાકની સ્થિતિએ ભાજપાની આગેવાની હેઠલના મહાયુતિ ગઠબંધન 220, મહા વિકાસ અઘાડી ગઠબંધન 57 અને અન્ય 10 બેઠકો ઉપર આગળ છે.
મહારાષ્ટ્ર ચૂંટણીની મતગણતરી દરમિયાન કૌથરુડમાં ભાજપાના ઉમેદવાર ચંદ્રકાંત પાટિલ પોતાની બેઠક ઉપર આગળ ચાલી રહ્યાં છે. જેના પગલે ભાજપાના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં મહાયુતિ બહુમતીના આંકડા 145ને પાર કરીને સરકાર બનાવી રહી હોવાથી મુંબઈમાં ભાજપા કાર્યાલય ઉપર ઉજવણીનો માહોલ સર્જાયો છે, તેમજ ભાજપા દ્વારા કાર્યકરોમાં મીઠાઈ વેચવામાં આવી હતી. બીજી તરફ મહાવિકાસ અઘાડીના નેતાઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. દરમિયાન શિવસેના (ઉદ્વવ ઠાકર)ના નેતા સંજ્ય રાઉતે પરિણામોને લઈને આક્ષેપ કર્યો હતો.