મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે ભાજપે અજિત પવાર દ્વારા ટિકિટ ફાળવવા મામલે નારાજગી વ્યક્ત કરી છે.
એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકની ઉમેદવારી પર કહ્યું કે, નવાબ મલિકની ઉમેદવારીમાં 100 ટકા સમસ્યા છે. તેમણે કહ્યું, "અમે શરૂઆતમાં જ એનસીપીને સ્પષ્ટ કહ્યું હતું કે તમે નવાબ મલિકને ટિકિટ ન આપો. ભાજપ ગઠબંધનમાં તેમના (નવાબ મલિક) માટે પ્રચાર કરશે નહીં. આમ છતાં તેમણે નવાબ મલિકને ટિકિટ આપી છે. મને સ્પષ્ટપણે ભાજપની ભૂમિકા જણાવવા દો કે ભાજપ તેમનો પ્રચાર નહીં કરે.
એક સમયે શરદ પવારના નજીકના નવાબ મલિક મહાવિકાસ આઘાડી (MVA) સરકારમાં મંત્રી હતા. દાઉદ અને તેના સહયોગીઓ છોટા શકીલ અને ટાઈગર મેમણ વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા નોંધાયેલા કેસમાં 2022માં તેની ધરપકડ કરવામાં આવી હતી. મલિકને આ વર્ષે જુલાઈમાં તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા. એનસીપીમાં વિભાજન પછી, ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળના જૂથે સાથી પક્ષ ભાજપના વાંધો હોવા છતાં નવાબ મલિકને તેમના ગણમાં લીધા હતા. અનુશક્તિ નગરના વર્તમાન ધારાસભ્ય નવાબ મલિકે તેમની પુત્રી સના માટે આ સીટ છોડી દીધી છે. એનસીપીએ સનાને ઉમેદવાર બનાવ્યા છે.