મહારાષ્ટ્રઃ નવી સરકારના મંત્રીમંડળમાં 43 નેતાઓને મળશે સ્થાન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીત બાદ સીએમની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ ભાજપાના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. નવી સરકારની કેબિનેટમાં ભાજપાના 21, શિવસેના(શિંદે)ના 12 અને એનસીપી(અજીત પવાર)ના 10 મળીને 43 જેટલા મંત્રી રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત શિંદે અને અજીત પવારને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી નિભાવશે. આવતીકાલે શપથવિધિ બાદ કેબિનેટની પ્રથમ બેઠક મળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભા અધ્યક્ષ પદ અને વિધાન પરિષદનું સ્પીકર પદ ભાજપ પાસે રહેશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ એનસીપી અને ઉપસભાપતિ પદ શિંદે શિવસેના પાસે રહેશે. નવી સરકારમાં ભાજપાના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુલે, ગિરીશ મહાજન, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુધીર મુનગંટીવાર, રવિન્દ્ર ચૌહાણ, નિતેશ રાણે, શિવેન્દ્ર રાજે ભોંસલે, જયકુમાર ગોરે, જયકુમાર રાવલ, ગોપીચંદ પડલકર, અશોક ઉઇકે, પંકજા મુંડે, ચન્દ્રકાંત પાટીલ, મોનિકા રાજલે, વિદ્યા ઠાકુર/ સંજય ઉપાધ્યાય અને સ્નેહલ દુબે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત શિવસેના (શિંદે)ના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત, ઉદય સામંત, શંભુરાજે દેસાઈ, દીપક કેસરકર, ભારત ગોગાવલે, દાદા ભૂસે, ગુલાબરાવ પાટીલ, મંજુલા ગાવીત, સંજય રાઠોડ અને સંજય શિરસાટનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે. તેમજ એનસીપી (અજીત પવાર)ના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ઉપરાંત છગન ભુજબલ, દિલીપ વલસે પાટીલ, હસન મુશરીફ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, ધર્મરાવ બાબા આત્રામ અને સંજય બનસોડેનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.