મહારાષ્ટ્રઃ 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું
મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું. છત્તીસગઢ સરકારે તેમના પર ઈનામની જાહેરાત પણ કરી હતી. આ માઓવાદીઓને તેમના જીવન નિર્વાહ માટે 86 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે હવે ઉત્તર ગઢચિરોલીને નક્સલવાદથી મુક્ત થયો છે અને ટૂંક સમયમાં જ દક્ષિણનો ભાગ પણ ઉગ્રવાદથી મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં એક પણ યુવક માઓવાદમાં જોડાયો નથી, જે એક મોટી સિદ્ધી છે. તેમણે જણાવ્યું કે 11 ગામોમાં નક્સલવાદીઓ પર પ્રતિબંધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં ગઢચિરોલીને સ્ટીલ સિટીનો દરજ્જો અપાશે. શ્રી ફડણવીસે અહેરીથી ગરદેવારા સુધીની બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો અને બસમાં મુસાફરી કરી હતી. તેમણે જિલ્લામાં ગ્રીન માઈનિંગ પ્રોજેક્ટ નો પણ આરંભ કરાવ્યો હતો.