મહાકુંભઃ ભૂટાનના રાજાએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી
લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મંગળવારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. દરમિયાન CM યોગી આદિત્યનાથ અને જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવ પણ હાજર રહ્યા હતા.
ખ્યમંત્રી યોગી અને ભૂટાનના રાજા લખનૌથી એકસાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. એરપોર્ટથી બંને રોડ માર્ગે સંગમ કિનારે પહોંચ્યા. અને અરૈલ ઘાટથી હોડીમાં બેસી સંગમઘાટ પર પહોચી પવિત્ર સ્નાન કર્યું. આ દરમિયાન ભૂટાનના રાજા અને મુખ્યમંત્રી યોગીએ પક્ષીઓને ભોજન પણ આપ્યું. તેઓ લાટ હનુમાન મંદિર અને અક્ષયવટની મુલાકાત પણ લેશે જ્યાં તેઓ પ્રાર્થના કરશે.
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સોમવારે જ લખનૌ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરી ભૂટાનના રાજાને પુષ્પગુચ્છ અર્પણ કર્યો અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. ભૂટાનના રાજાએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર, કલાકારોએ ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવિધ પ્રસ્તુતિઓ સાથે તેમનું સ્વાગત કર્યું. વાંગચુકે પણ કલાકારોને પ્રોત્સાહન આપ્યું.