મહાકુંભ 2025: નમામિ ગંગે પેવેલિયન બન્યું ગંગા સંરક્ષણ અને જાગૃતિનું કેન્દ્ર
પ્રયાગરાજમાં નમામિ ગંગે મિશન દ્વારા સ્થાપિત નમામિ ગંગે પેવેલિયન મહાકુંભ-2025માં દરરોજ નોંધપાત્ર સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે. આ મંડપ ગંગા નદી માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અને સંરક્ષણનાં પ્રયાસો અંગે જાગૃતિ ફેલાવવા માટેનું એક નવીન માધ્યમ બની ગયું છે. મંડપની શરૂઆત અરસપરસ જૈવવિવિધતા ટનલથી થાય છે જે મુલાકાતીઓને ગંગાની જૈવવિવિધતા અને કુદરતી સૌંદર્યનો અનુભવ પ્રદાન કરે છે. આધુનિક પ્રોજેક્શન ટેકનોલોજીથી સજ્જ આ ટનલ ગંગા કિનારે વસતા પક્ષીઓનાં કલરવને પ્રદર્શિત કરે છે અને જીવનદાતા ગંગાનાં મહત્વને ઉજાગર કરે છે.
પેવેલિયનનું મુખ્ય આકર્ષણ ડિજિટલ પ્રદર્શન છે, જે ગંગાની સ્વચ્છતા અને સંરક્ષણ માટેનાં વિવિધ પ્રયાસોને આકર્ષક અને શૈક્ષણિક રીતે રજૂ કરે છે. બીજી વિશેષતા પ્રયાગ પ્લેટફોર્મ છે, જે ગંગા-યમુના નદીઓ અને તેમની સહાયક નદીઓ પર વાસ્તવિક સમયનો ડેટા પ્રદર્શિત કરે છે. આ પ્લેટફોર્મ પાણીનાં સ્તર, સ્વચ્છતા અને પ્રદૂષણ સંબંધિત આંકડાઓ વિશે માહિતી પ્રદાન કરે છે.
મંડપમાં રિવરફ્રન્ટનાં વિકાસ અને ગંગાનાં કાંઠે ગટરનાં શુદ્ધિકરણ પ્લાન્ટની કામગીરી પણ દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શન મુલાકાતીઓને એ સમજવામાં મદદ કરે છે કે ગંગાની સ્વચ્છતા જાળવવા માટે સરકાર અને સંસ્થાઓ કેવી રીતે તકનીકી અને માળખાકીય પ્રયત્નો કરી રહી છે. આ પેવેલિયનમાં ડોલ્ફિન, કાચબા, મગર અને માછલી જેવા ગંગામાં જોવા મળતા જીવોની પ્રતિકૃતિઓ છે. આ પહેલ શૈક્ષણિક સાબિત થઈ રહી છે, ખાસ કરીને બાળકો અને યુવાનો માટે, જે તેમને ગંગાની જૈવવિવિધતા અને તેના સંરક્ષણનાં મહત્વને સમજાવે છે.
આ પ્રદર્શનમાં નેશનલ બુક ટ્રસ્ટ (NBT) દ્વારા સ્થાપિત એક વિશેષ રીડિંગ કોર્નર પણ રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં ગંગા, મહાકુંભ, સામાજિક નીતિઓ અને રાષ્ટ્રીય ગૌરવને લગતા પુસ્તકોનો સંગ્રહ ઉપલબ્ધ છે. આ ખૂણો ગંગાનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ વિશે જાણવામાં રસ ધરાવતા લોકો માટે વિશેષ આકર્ષણ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, ગંગા ટાસ્ક ફોર્સ અને આઇઆઇટી દિલ્હી જેવી સંસ્થાઓ ગંગાની લુપ્તપ્રાય પ્રજાતિઓનાં સંરક્ષણ, જનજાગૃતિ અને કચરાનાં વ્યવસ્થાપન અંગેની માહિતી વહેંચી રહી છે. આ માહિતી ગંગાનાં મહત્વ પર ભાર મૂકવામાં અને લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ કરી રહી છે. મંડપમાં ભગવાન ગણેશની પ્રતિમા પણ છે, જે ગંગાની શુદ્ધતા અને સ્વચ્છતાનું પ્રતીક છે. આ પ્રતિમા સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણોને મજબૂત બનાવે છે.
નમામિ ગંગે મિશને મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ એ વાત સ્વીકારે કે ગંગા માત્ર એક નદી નથી પરંતુ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને આર્થિક જીવનનું અભિન્ન અંગ છે. તેને સ્વચ્છ અને સચવાયેલી રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. આ અત્યાધુનિક અને સર્જનાત્મક મંડપ ગંગાનું મહત્વ સમજાવવામાં સફળ તો છે જ, સાથે જ મહાકુંભ-2025નાં મુખ્ય આકર્ષણોમાંનું એક બની ગયું છે.