સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવજીને વિશેષ હનુમંત દર્શન શૃંગાર કરાયો, ભક્તોએ કર્યા દર્શન
- 155 કિલો પુષ્પો ચંદન, બિલીપત્રથી જ્યોતિર્લીંગ પર હનુમાનજીની પ્રતિકૃતિ રચાઈ,
- વિશેષ શૃંગાર દ્વારા બંને દેવતાઓ વચ્ચેની સામ્યતા દર્શાવવામાં આવી,
- ભક્તોએ સોમેશ્વર જ્યોતિર્લિંગના હનુમાન સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
અમદાવાદઃ શ્રાવણ સુદ બીજના દિવસે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવ્યું હતું. આ અનોખા અને ભક્તિભર્યા શૃંગારમાં સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન થયા હતા.
હનુમાનજીને શિવજીના અવતાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિશેષ શૃંગાર દ્વારા બંને દેવતાઓ વચ્ચેની સામ્યતા દર્શાવવામાં આવી હતી. સાથે જ બન્નેના સંયમ અને નિર્મોહી ચરિત્રને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
શ્રાવણ શુક્લ બીજ પર ભગવન શિવના જ અવતાર એવા, ભક્તશિરોમણી, શક્તિ અને ભક્તિના પ્રતિક શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને 155 કિલોગ્રામ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોથી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ નિર્મિત કરવામાં આવી હતી.
હરિ અને હર ના પ્રેમના ઉચ્ચતમ સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી રામ માટે ભગવાન શિવના સ્વરૂપ હનુમાનજીનું દાસત્વ અને હનુમાનજીની અખંડ ભક્તિ. ભગવાન હનુમાનજી ભગવાન રામના સદૈવ ભક્ત, અને શિવના રુદ્ર અવતાર તરીકે ઓળખાય છે. આ દિવસ એ યાદ અપાવે છે કે ભગવાનમાં ભેદ નથી. જ્યારે આપણે શ્રી સોમનાથ મહાદેવ સાથે હનુમાનજીનું ઐક્ય દર્શીએ, ત્યારે આપણું અંતઃકરણ પણ એ ભક્તિમાં લીન થાય છે.