ધારી તાલુકાના હિમખીમડી ગામે સરકારી જમીન પર બનેલી મદરેસા તોડી પડાઈ
- મદરેસામાં ભણાવતા મૌલાના પાકિસ્તાન સાથે કનેકશન ધરાવતો હતો
- મૌલાનાની અટક કરીને એટીએસને તપાસ સોંપાઈ
- મદરેસા તોડવાના ઓપરેશન વખતે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
અમરેલીઃ જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં વિદ્યાર્થીઓને ભણાવતા મૌલવી મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પર શંકા હોવાથી થોડા દિવસ પહેલા પોલીસે અટક કરી હતી, અને તપાસ કરતા મૌલવીના મોબાઈલ ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન કનેક્શનો મળી આવ્યા હતા. અને ઊર્દુ ભાષામાં મેસેજની આપ-લે થઈ હોવાથી તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. દરમિયાન સરકારે ગરીબ લાભાર્થીઓને ફાળવેલી જમીન પર મદરેસા બન્યું હોવાનું તપાસમાં ખૂલતા આજે પોલીસના સઘન બંદોબસ્ત સાથે વહિવટી તંત્ર દ્વારા મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.
ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.
આ અંગે ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતાં આ મકાન 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે શરતભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે.
ધારીના ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડના કહેવા મુજબ પ્રાંત અધિકારી અને ધારી મામલતદારની તપાસમાં આ મદરેસાનું બાંધકામ શંકાસ્પદ લાગતાં રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને આધાર પુરાવા માગવામાં આવ્યા હતા, જોકે કોઇ આધાર પુરાવા ન મળતાં આજે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. કોઇ અનિચ્છીય બનાવ ન બને એ માટે બે ડીવાયએસપી, ત્રણ પીઆઈ અને જરૂરિયાત મુજબની પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી ગઇ હતી અને શંકાસ્પદ લોકોની તપાસ ચાલુ કરાઇ હતી. આ દરમિયાન અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી હતી, ત્યારે ધારીની હિમખીમડી મદરેસામાં ભણાવતા મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પર SOGને શંકા ગઇ હતી. અને મૌલાના પાસે આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં તારીખ 02/05/2025ના રોજ SOGએ મૌલાનાને ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત જેટલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં ગ્રુપ મળ્યાં હતાં. બીજી તરફ મદરેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદે એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદરેસા પહોંચ્યા હતા. નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ પ્લોટમાં થયેલું બાંધકામ શરતભંગના કારણે થયું હોવાનું સામે આવતાં આજે મદરેસાની ઈમારત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતુ. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.