મધ્યપ્રદેશ: ભોપાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટે ભિક્ષા આપવા અને માંગવા પર પ્રતિબંધ મૂક્યો
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભીખ માંગવા અને ભિક્ષા આપવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્ય છે અને આમ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભોપાલ જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલેન્દ્ર વિક્રમ સિંહે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 (2) હેઠળ જારી કરાયેલા આદેશમાં ભીખ માંગવા અને ભિક્ષા આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા ઘણા ભિખારીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ડ્રગ્સના વ્યસનમાં સંડોવાયેલા જોવા મળે છે અને ટ્રાફિક સિગ્નલો પર તેમની હાજરી અકસ્માતોનું જોખમ ઊભું કરે છે. એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર ભોપાલ જિલ્લામાં ભીખ માંગવા અને ભિક્ષા આપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "જે કોઈ પણ ભિખારીઓને દાનના રૂપમાં કંઈપણ આપશે અથવા તેમની પાસેથી કોઈપણ વસ્તુ ખરીદશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
ભીખ માંગવા સામે વહીવટીતંત્રના પ્રતિબંધક આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કોલાર (ભોપાલમાં) ખાતે સ્થિત એક આશ્રય ગૃહ ભિખારીઓને આશ્રય આપવા માટે અનામત રાખવામાં આવ્યું છે. ગયા વર્ષે, ઇન્દોર જિલ્લા વહીવટીતંત્રે પણ ભીખ માંગવા અને ભિક્ષા આપવા પર પ્રતિબંધ લાદ્યો હતો.