મધ્યપ્રદેશઃ CM મોહન યાદવે રાજ્યમાં ફિલ્મ છાવાને કરમુક્ત કરી જાહેર
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે છત્રપતિ શિવાજીની જન્મજયંતિ પર મરાઠા શાસક સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ છાવા ને રાજ્યભરમાં કરમુક્ત જાહેર કરી છે. 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવા ચર્ચાનો વિષય બની ગઈ છે. ફિલ્મની પ્રશંસા કરતા મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, હું તેમના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત હિન્દી ફિલ્મ છાવા ને કરમુક્તિ જાહેર કરું છું.
તમને જણાવી દઈએ કે લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત છાવા મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજ અને તેમની પત્ની મહારાણી યેસુબાઈ પર આધારિત છે. છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીનું પાત્ર વિક્કી કૌશલે ભજવ્યું છે. અભિનેતા અક્ષય ખન્ના મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. ભવ્ય સેટ, વીરતાની વાર્તા અને શાનદાર કલાકારોથી સજ્જ આ ફિલ્મ પણ વિવાદોથી ઘેરાયેલી હતી. ફિલ્મના એ દ્રશ્ય સામે ઘણો વિરોધ થયો હતો જેમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહેલા વિક્કી કૌશલ, મહારાણી યેસુબાઈની ભૂમિકા ભજવતી રશ્મિકા મંડન્ના સાથે રાજ્યાભિષેક પછી નાચતા જોવા મળ્યા હતા.