ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના લકઝરી ફ્લેટ્સ પણ કર્મચારીઓ પ્રતિક્ષા યાદીમાં
- પાટનગરમાં હજારો કર્મચારીઓ રહેવા માટે ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે,
- 6181 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ક્વાર્ટર્સના વેઈટિંગલિસ્ટમાં,
- MLA માટે લકઝરી ફ્લેટ્સ ત્વરિત બની જતા હોય તો કર્મચારીઓ માટે કેમ નહીં?
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, એના કર્મચારીઓનું ક્વાટર્સ માટેનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. ત્યારે શહેરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું ક્વાટર્સ મેળવવાનું વેઈટિંગ લિસ્ટ 6181 જેટલું છે. ધારાસભ્યો માટે લાખો રૂપિયાના ખર્ચે નવા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ કર્મચારીઓને આવાસ માટે વર્ષોથી પ્રતીક્ષા કરવી પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે નવા આરામદાયક ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ધારાસભ્યો માટે ગાંધીનગરના સેક્ટર 17માં તૈયાર થઈ રહેલા લક્ઝુરિયસ 3BHK ફ્લેટોના પ્રોજેક્ટનો ખર્ચ વધીને 310 કરોડ રૂપિયા થઈ ગયો છે. મૂળ બજેટ 247 કરોડનું હતું, જેમાં બિલ્ડિંગની કિંમત માટે 203 કરોડ અને ઇન્ટિરિયર માટે 80 કરોડ ફાળવવામાં આવ્યા હતા. હવે બિલ્ડિંગ એક્સેસરી માટે વધુ 30 કરોડ રૂપિયાની માંગણી મકાન અને માર્ગ વિભાગે સરકાર સમક્ષ કરી છે. ધારાસભ્યોને લકઝરી ફ્લેટ મળે તેની સામે વાંધો ન હોઈ શકે પણ પોલીસ કર્મચારીઓને પણ તેમની કક્ષા પ્રમાણે રહેવા માટેના ક્વાટર્સ મળવા જોઈએ તેવી માગ ઊઠી છે.
સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કુલ 1061 પોલીસ કર્મચારીઓને સરકારી રહેણાંક મકાનની ફાળવણી બાકી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મકાનોમાં, જિલ્લા પોલીસ સિવાય સલામતી શાખામાં કામ કરતાં આરએમ પોલીસ કર્મીઓ, ઇન્ટેલિજન્સ વિભાગમાં, પોલીસ ભવનમાં કામ કરતાં પોલીસ કર્મીઓને ફાળવણી કરવામાં આવે છે, જેથી મૂળ જિલ્લા પોલીસમાં કાર્યરત પોલીસ કર્મીઓને મળતા આવાસની યાદી લાંબી છે.