અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ પલટી, 37 પ્રવાસી ઘવાયા
- ત્રિશુળિયા ઘાટના બમ્પ પર બ્રેક મારતા લકઝરી બસની બ્રેક ફેઈલ થઈ,
- ચાર વાહનો સાથે અથડાઈને બસ પલટી ખાઈ ગઈ,
- 37 પ્રવાસીઓમાંથી 9ની હાલત ગંભીર
અંબાજીઃ દાંતા અંબાજી હાઈવે પર લકઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે ત્રિશુળિયા ઘાટ નજીક બમ્પ આવતા લકઝરી બસના ચાલકે બ્રેક મારતા એકાએક બ્રેક ફેઈલ થઈ હતી, અને ઝોળાવ હોવાથી બસને રોકવી મુશ્કેલ હતી, લકઝરી બસે ચાર જેટલાં વાહનોને અડફેટે લઈને બસ રોડ પર પલટી ખાઈ જતાં બસમાં પ્રવાસ કરી રહેલા 37 પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેમાં 9 પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
યાત્રાધામ અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ પર 32 દિવસ બાદ ફરી અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસના ચાલકે બમ્પના લીધે અચાનક પ્રેસરથી બ્રેક મારી દેતા બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક ફેઈલ થયેલી બસ 300થી 400 મીટર દોડી ગઈ હતી. અને આગળ ચાલી રહેલા બાઈક કાર જીપ સહિત 4 વાહનોને અડફેટે લઈને ડીવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આથી બસના પ્રવાસીઓએ બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન અન્ય વાહનચાલકો વાહનો ઊભા રાખીને દોડી આવ્યા હતા. આ ઘટનામાં કુલ 37 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 9 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ ઉપર ટ્રિપલ અક્સ્માત સર્જાયો હતો, જેમાં મેક્સ ગાડી, કાર અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લક્ઝરી બસમાં અંજારના કુલ 28 મુસાફરો સવાર હતા, જેઓ અંબાજીથી દર્શન કરીને ઘરે પરત જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલોની સંખ્યા વધારે હોવાથી 4 જેટલી 108 મારફત 37 ઇજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 9 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા છે. અંજારથી અંબાજી દર્શેનાર્થે આવેલા યાત્રિકોની લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો.
લકઝરી બસના ડ્રાઈવર દિલીપ માળીએ જણાવ્યું હતું કે બ્રેક લાઈન તૂટી ગઈ હતી. સ્પીડ બ્રેકર કુદાવ્યા પછી બસ કંટ્રોલ થતી નહોતી. એર ભરાય તો બ્રેક ન લગાવી શકાય. આ બાજુ નાખું તો બસ ખાઈમાં જાય એમ હતી, જેથી મેં બીજી બાજુ ઘણી કન્ટ્રોલ કરી, બારીઓમાંથી રાડો પણ નાખી કે 'ભાઈ, બ્રેક ફેલ થઈ ગઈ...બ્રેક ફેલ થઈ ગઈ' બસના કંડક્ટર નિખિલે જણાવ્યું હતું કે બસમાં 28 લોકો સવાર હતા. ગાડી કચ્છથી આવી હતી. ઓચિંતાની બ્રેક ફેલ થતાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. બધાને ઈજાઓ થઈ છે, ખાલી નાનાં બાળકોને કોઈ ઈજાઓ થઈ નથી.