વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ બાપાનું રાજવી ઠાઠથી સ્વાગત કરાયું
- રાજવી પરંપરા મુજબ પેલેસના દરબાર હોલમાં ગણપતિની સ્થાપના કરાઈ,
- રાજવી પરિવાર દ્વારા ભાવનગરની ખાસ માટીમાંથી બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવી,
- મૂર્તિને હીરા-મોતી જડિત આભૂષણોથી શણગારી, પાલખીમાં વાજતે-ગાજતે પધરામણી કરી
વડોદરાઃ શહેરભરમાં આજે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. શહેરના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિધ્નહર્તા ગણેશજીની વાજતે-ગાજતે રાજવી ઠાઠથી પધરામણી કરવામાં આવી હતી. વર્ષ 1939થી ચાલી આવતી રાજવી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા શણગારેલા દરબાર હોલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીની વિશેષ મૂર્તિની સ્થાપના 86 વર્ષથી એકસમાન રીતે થાય છે. 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની આ મૂર્તિ ચૌહાણ પરિવાર દ્વારા ખાસ ભાવનગરની માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. મૂર્તિ બનાવવામાં એક મહિનાથી વધુનો સમય લાગે છે. આ મૂર્તિને હીરા-મોતી જડિત આભૂષણોથી શણગારી, પાલખીમાં વાજતે-ગાજતે લાવવામાં આવે છે અને શાહી પૂજા સાથે સ્થાપના કરવામાં આવે છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1890માં બનાવવામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ બ્રિટનના બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે. આ પેલેસ પોતાની અનોખી પેઇન્ટિંગ્સ, ઝુમર અને કલાકૃતિઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લક્ષમી વિલાસ પેલેસમાં રાજવી ગણેશોત્સવનું મહત્વ અનન્ય છે. યજુર્વેદના મંત્રો સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ષોડશોપચાર અને પંચોપચાર પૂજા સાથે ભગવાનની સેવા થાય છે. આ પરંપરા દર વર્ષે એક જ મૂર્તિ સાથે ચાલુ રહે છે, જે રાજવી પરિવારની શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે.