અમદાવાદની થલતેજ વિસ્તારની મ્યુનિ.શાળામાં પ્રવેશ માટે લાંબી લાઈનો
- હવે ખાનગી સ્કૂલોમાં બાળકોને પ્રવેશ અપાવવાનો વાલીઓનો મોહ ઘટતો જાય છે
- મ્યુનિ, સ્કૂલો સ્માર્ટ બનતા વાલીઓ આકર્ષાયા
- ખાનગી સ્કૂલોની તોતિંગ ફી પણ વાલીઓને પરવડતી નથી
અમદાવાદ: શહેરમાં હવે ખાનગી શાળાઓમાંથી મ્યુનિની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. મ્યુનિના શાળાઓમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને સમયની માગ મુજબ કોમ્પ્યુટર લેબ સહિત ઉપકરણો વસાવીને સ્માર્ટ સ્કૂલો બનાવાતા હવે વાલીઓ પણ પોતાના બાળકોને મ્યુનિ. સ્કૂલોમાં ભણાવવા માટે આકર્ષાયા છે. આ વર્ષે થલતેજ અનુપમ શાળા- 2માં વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓની લાંબી લાઇનો તો જોવા મળી છે. આ વર્ષે સ્કૂલ દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ મુકવામાં આવ્યુ છે. આ પ્રકારની પરિસ્થિતિ એએમસી સંચાલિત સ્કૂલબોર્ડની મ્યુનિના સાત ઝોનની અંદાજિત 25થી વધુ સ્કૂલોમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલિમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની મ્યુનિની સ્કૂલોનો સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં બાળકોની સંખ્યા વધતા જાય છે. ખાનગી સ્કૂલોમાં તોતિંગ ફી હવે મધ્યમ વર્ગના વાલીઓને પણ પરવડતી નથી, બીજી બાજુ મ્યુનિ. શાળાના શિક્ષણમાં પણ ઘણોબધો સુધારો થયો છે. આ અંગે અમદાવાદ શાસનાધિકારીના કહેવા મુજબ ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમ જ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, મ્યુનિ કોર્પોરેશનની શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે. આ વર્ષે 31 ઓગસ્ટ 2025 સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.