ગુજરાતમાં મતદાર યાદી સુધારણાને લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતા
- મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવી યાદી જાહેર કરાશે,
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછી ઠેલાવવાની શક્યતા,
- મુદત પૂર્ણ થતાં કેટલીક નગરપાલિકામાં વહિવદાર નિમાવવાની વકી
અમદાવાદઃ રાજ્યમા અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મતદાર સુધારણાની કામગીરીને લીધે પાછી ઠેલાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. મતદાર સુધારણાનું કામ પૂર્ણ થયા બાદ આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીના અંતમાં પ્રસિદ્ધ થશે. આ ઉપરાંત, 'સર' (SIR) ની કામગીરી પણ આરંભાઈ છે, જેમાં 50 હજારથી વધુ શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ જોડાયા છે. જ્યાં સુધી મતદાર યાદીની આ સાફસફાઈ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ચૂંટણી યોજી શકાય તેમ નથી. રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે ઊંડો રસ દાખવ્યો છે, કારણ કે આ સુધારણા બાદ વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર થવાની શક્યતા છે. કોંગ્રેસે તો રાજ્યમાં 60 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
સૂત્રોના કહેવા મુજબ ભાજપના આગેવાનો પણ ઈચ્છે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મોડી યોજાય તો જ પક્ષને ફાયદો થશે. તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપાયેલી કૃષિ રાહત સહાયમાં ઓછા વળતરનો મુદ્દો રાજ્યમાં ચગ્યો છે, જેના કારણે ખેડૂતોમાં સરકાર સામે અસંતોષ ભભૂક્યો છે. જો વર્તમાન પરિસ્થિતિમાં ચૂંટણી યોજાય, તો શાસક પક્ષને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડી શકે છે. સરકાર સાનુકૂળ વાતાવરણની રાહ જોઈ રહી છે. જો ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછળ ઠેલાય, તો ભાજપ સરકારને ફાયદો થઈ શકે છે. જ્યારે વિપક્ષ માને છે કે હાલનું વાતાવરણ તેમના માટે સાનુકૂળ છે. જો ચૂંટણીઓ વિલંબમાં પડશે, તો રાજ્યની અનેક પંચાયતો અને નગરપાલિકાઓમાં એકાદ-બે મહિના માટે વહીવટદારનું શાસન સ્થાપિત થાય તો નવાઈ નહીં.