લો બોલો, પાકિસ્તાની સેનાએ પોતાની જનતા ઉપર જ કરી એરસ્ટ્રાઈક, 30થી વધારે નાગરિકના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ નિવાસી વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરતા ભારે જાનહાનિ થઈ છે. લંડી કોટલ તાલુકાના માતરે દારા વિસ્તારમાં ગત રાતે થયેલા આ હુમલામાં 30થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માતરે દારા ગામ તિરાહ ઘાટીમાં અફગાનિસ્તાનની સીમા નજીક આવેલું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, રાત્રે 2 વાગ્યે પાકિસ્તાની સેનાએ ચાઇનીઝ ફાઇટર જેટ JF-17 થન્ડર વડે ઓછામાં ઓછા 8 LS-6 બોમ્બ ફેંક્યા હતા. આ હુમલો તે ‘ઓપરેશન’નો ભાગ બતાવવામાં આવી રહ્યો છે, જેના નામે પાકિસ્તાની સેના છેલ્લા ત્રણ અઠવાડિયાથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઠેકાણાઓ પર કાર્યવાહી કરવાનો દાવો કરી રહી છે. જોકે હકીકતમાં, સતત નિર્દોષ નાગરિકોના ઘરો પર બોમ્બબારી થઈ રહી છે અને સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે.
સ્થાનિક ધારાસભ્ય ઇકબાલ અફરીદીએ પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “તિરાહ અકાખેલ ખીણમાં નિર્દોષ બાળકો અને મહિલાઓની બોમ્બબારીમાં શહાદત હ્રદય દ્રાવક છે. આ અત્યાચાર માનવતા વિરુદ્ધનો સૌથી મોટો ગુનો છે, જેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે.”
આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનની દ્વિમુખી નીતિને ઉજાગર કરી છે. એક તરફ સરકાર અને સેના ખૈબર પખ્તૂનખ્વાહમાં વૈશ્વિક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને પોલીસ સુરક્ષા હેઠળ ભરતી અભિયાન ચલાવવાની છૂટ આપે છે, તો બીજી તરફ પોતાના જ નાગરિકો પર બોમ્બ વરસાવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેના આતંકવાદીઓને આશ્રય આપે છે, તેમને વધાવે છે અને પોતાના ગુનાઓ ઢાંકવા માટે નિર્દોષ નાગરિકોના લોહીનો ઉપયોગ કરે છે. આજે આ હકીકત છૂપી નથી રહી કે ઇસ્લામાબાદના શાસકો અને રાવલપિંડીની ફોજ આતંકવાદની જનની અને માનવતાની દુશ્મન છે.