લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. શનિવારે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 માર્ચે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને 'ભારત રત્ન' એનાયત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વાજપેયી સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.