તારાપુર હાઈવે પર હોટલ ‘ન્યુ માયા’માં જમવામાં ગરોળી નિકળતા પરવાનો રદ કરાયો
- ઉપલેટા-કવાંટ રૂટની બસ ન્યુ માયા હોટલ પર હોલ્ટ કરવામાં આવી હતી,
- એસટી બસ ડ્રાયવરનાં જમવામાં ગરોળી મળી આવી હતી,
- એસટી નિગમ દ્વારા હોટલનો પરવાનો રદ કરાયો
અમદાવાદઃ એસ.ટી નિગમના નડિયાદ વિભાગનાં તાબા હેઠળની તારાપુર ચોકડી નજીક અધિકૃત કરવામાં આવેલ હાઈવે હોટલ "ન્યુ માયા' પર જૂનાગઢ વિભાગની ઉપલેટા ડેપો દ્વારા સંચાલિત ઉપલેટા-કવાંટ રૂટની બસ આ હોટલ ખાતે હોલ્ટ કરવામાં આવી હતી. જ્યાં રોકાણ દરમિયાન બસ ડ્રાયવરનાં જમવામાં ગરોળી મળી આવી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે તંત્રને જાણ થતા તપાસના અંતે નિગમ દ્વારા હોટલ માલિક વિરુદ્ધ પરવાનાની શરતો મુજબ તાત્કાલિક પગલા લઇને તે હોટલનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
આ સિવાય નિગમ દ્વારા રાજ્યના વિવિધ માર્ગોના અધિકૃત કરાયેલ હોટલો પર પરવાનાની શરતો મુજબ મુસાફરો, ડ્રાયવર-કંડકટરને આરોગ્યપ્રદ આહાર તેમજ જરૂરી સુવિધાઓ અંગે ભવિષ્યમાં કોઈ અનિયમિતતા ન થાય તે માટે તમામ હોટલોની ચકાસણી એસ.ટી નિગમ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ - નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનનાં પરામર્શમાં રહીને કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટીની એકસપ્રેસ તથા અન્ય બસોમાં લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને પોષ્ટિક નાસ્તો-આહાર અને રીફેશમેન્ટ માટે યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે નિગમ ટેન્ડર પ્રક્રિયા કરીને અનેક સુવિધાઓયુકત હોટલો ખાતે બસોને રોકાણ માટે મંજૂરી આપવામાં આવે છે. આ હોટલો પર આપવામાં આવતા આહાર, સફાઈ તેમજ પરવાનાની શરતો મુજબ નિયત કરાયેલ સુવિધાઓ નિયમિત રીતે પ્રવાસીઓને ઉપલબ્ધ થાય તે માટે વિભાગીય-મધ્યસ્થ કક્ષાએથી ચકાસણી કરવામાં આવે છે. જે દરમિયાન પરવાનાની શરતોનો ભંગ કરવા કે પ્રવાસી સુવિધાઓને અસર કરતા કોઈ અનિયમિતતા જણાય તો જે તે હોટલ માલિક વિરુદ્ધ પરવાનાની શરતો અનુસાર તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરીને જરૂર લાગે તો પરવાનો રદ કરવા સુધીના પણ સખ્ત પગલા નિગમ દ્વારા લેવામાં આવે છે.