For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની પરમિટના નિયમો હળવા કરાયા

02:00 PM Apr 20, 2025 IST | revoi editor
ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની પરમિટના નિયમો હળવા કરાયા
Advertisement
  • ગિફ્ટસિટીમાં મુલાકાતીઓ અને કર્મચારીઓને દારૂ પીવાની છૂટ અપાઈ છે
  • હવે કર્મચારીઓ જાતે જ પરમિટ મેળવી શકશે
  • સરકારે ગિફ્ટસિટી માટે નવું જાહેરનામું બહાર પાડ્યુ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના ગિફ્ટસિટીમાં વૈશ્વિક ઈન્ટરનેશનલ કંપનીઓ કાર્યરત છે.ગિફ્ટસિટીમાં દારૂબંધીમાં સરકારે છૂટછાટ આવેલી છે. હવે સરકારે વધુ છૂટછાટ આપીને નવુ જાહેરનામું બહાર પાડ્યુ છે. હવે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતી મહેમાનો આસાનીથી ત્વરિત પરમિટ મેળવી શકશે, કર્મચારીઓને દારૂની પરમિટ માટે પોતાની કંપનીના લેટરની જરૂર નહીં પડે. સરકારના આ નિર્ણયથી ગિફ્ટસિટીમાં કાર્યરત કંપનીઓના કર્મચારીઓને રાહત મળશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. પહેલા કર્મચારીઓ અને તેમના મહેમાનો માટે કામચલાઉ દારૂની પરમિટ માટે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. પરંતું હવે નવા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, 15 એપ્રિલ, 2025 થી હવે કર્મચારીઓ અને મુલાકાતીઓને વધુ છુટછાટ આપવામાં આવી છે. હવે કર્મચારી જાતે જ પરમિટ મેળવી શકશે.

સૂત્રોના કહેવા મુજબ ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને સીધા જ એ-ફોર્મ સબમિટ કરીને લિકર પરમિટ મેળવી શકે છે. અગાઉના નિયમ અનુસાર, કર્મચારીઓને દારૂની પરમિટ મેળવવા માટે પોતાની કંપનીના લેટરપેડની જરૂર પડતી હતી. પરંતું હવેથી આ લેટરપેડની જરૂર નહિ પડે. હવેથી કર્મચારીઓ કંપનીના આઈકાર્ડ પરથી જ લીકર પરમિટ મેળવી શકશે. આઈકાર્ડ પર કર્મચારીને બે વર્ષની લીકર પરમિટ મળી જશે. એટલું જ નહિ, નિયમોમાં હળવાશ પણ અપાઈ છે. કંપનીનો કર્મચારી 5 મુલાકાતીઓ માટે લિકરની ભલામણ કરી શકે છે. એટલે કે કર્મચારી 5 મુલાકાતીઓને દારૂ પીવડાવી શકે છે. આ 5 વિગતો સાથેનું ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે. જે ગ્રુપ પરમીટ ગણાશે. અગાઉ કંપનીનો એચઆર વિભાગ જેને ભલામણ કરે તેને જ પરમિટ આપવાની જોગવાઈ હતી. કંપનીના મુલાકાતીઓ માટે પણ એચઆરની ભલામણ ચિટ્ઠી જરૂરી પડતી હતી. તે નિયમમાં ફેરફાર કરાયો છે.

Advertisement

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે ડિસેમ્બર 2023 માં શરતો સાથે દારૂના વેચાણ અને વપરાશને મંજૂરી આપ્યા પછી, અહીંની બે હોટલોને 'વાઇન અને ડિનર' ની સુવિધા આપવામાં આવી હતી. રાજ્ય સરકારના ડેટા મુજબ આ વર્ષે ગિફ્ટ સિટીમાં 31 જાન્યુઆરી, 2025 સુધી અંગ્રેજી શરાબની 3,324 બોટલનું વેચાણ થયું હતું. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીના દારૂના વપરાશના આંકડા જાહેર કર્યા હતા. સરકારે કહ્યું હતું કે તેને ગિફ્ટ સિટીના દારૂના વેચાણથી 94.19 લાખ રૂપિયાની કમાણી થઈ છે. હાલ આબકારી ખાતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ તેની રેન્કિંગમાં સુધારો થયો છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટની વાર્ષિક ફી રૂ.1,000 નક્કી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement