સાસણના સફારી પાર્કમાં સિંહ દર્શનનો પ્રારંભ, વન વિભાગે પ્રવાસીઓનું કર્યું સ્વાગત
- ગીર સાસણનો સફારી પાર્ક એક સપ્તાહ વહેલો ખૂલ્લો મુકાયો,
- સફારી પાર્ક ચોમાસાના 4 મહિના બંધ કરાયો હતો,
- સફારી પાર્ક માટે વન વિભાગની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરી શકાશે
જૂનાગઢઃ સાસણ ગીર નેશનલ પાર્ક ચોમાસાને લીધે પ્રવાસીઓ માટે છેલ્લા ચાર મહિનાથી બંધ કરાયું હતું. જેને આજથી ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓ હવે સફારી પાર્કમાં સિંહ દર્શન કરી શકશે. આજે સફારી પાર્ક ખૂલ્લુ મુકાતા સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાસણ ગીરમાં સફારી પાર્ક આજે તા. 7મી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લો મૂકવામાં આવે છે. જોકે આ વર્ષે એક સપ્તાહ વહેલુ એટલે કે આજે તા.7 ઓક્ટોબરથી જ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યુ છે. આજે સવારે વન વિભાગના અધિકારીઓએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું. પ્રવાસીઓ સાસણ સફારી પાર્કમાં આજથી સિંહદર્શન કરી શકાશે. પ્રવાસીઓ માટે વન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગથી લઈને સિંહદર્શનની મુલાકાતના સ્લોટની તમામ મહિતી અહીં મેળવી શકો છો.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ અનુસાર, ગીર નેશનલ સફારી પાર્ક સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગીર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે, જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન એમને ખલેલ ન પહોંચાડવા અને ચોમાસાના કારણે ધોવાઈ ગયેલા જંગલના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે જરૂરી હોય છે, જોકે આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માગને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખૂલ્યો છે. સિંહદર્શન માટે આવતા તમામ પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઈટ https://girlion.gujarat.gov.in પરથી તમામ જરૂરી માહિતી મેળવી શકે છે અને સિંહદર્શન માટેનું ઓનલાઈન બુકિંગ પણ ત્યાંથી જ કરાવી શકશે. વહેલો પાર્ક ખૂલવાથી પ્રવાસીઓને દિવાળીના તહેવારો પહેલાં જ સિંહદર્શનનો લાભ મળશે.
ગીરની વનરાજીમાં સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી બિલાડી જેવાં અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે. વળી, પક્ષીપ્રેમીઓ માટે ગીર એક સ્વર્ગ સમાન છે, જ્યાં 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં દુર્લભ ગીધ અને માળિયા હાટીનાનાં હરણોનો સમાવેશ થાય છે. આ વર્ષે સારો વરસાદ થતાં જંગલની સુંદરતા વધુ ખીલી ઊઠી છે, જેના કારણે પ્રવાસીઓ નવી ઊર્જા સાથે કુદરતના ખોળે સિંહોને મસ્તી કરતા જોઈ શકશે. (file photo)