For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં દાયકા બાદ 10મી મેથી સિંહની વસતી ગણતરી હાથ ધરાશે

06:07 PM Mar 20, 2025 IST | revoi editor
ગુજરાતમાં દાયકા બાદ 10મી મેથી સિંહની વસતી ગણતરી હાથ ધરાશે
Advertisement
  • વનરાજોની વસતીમાં 30 ટકા વધારો થયાની શક્યતા
  • ગીરના જંગલ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સિંહોનો વસવાટ છે
  • વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ દ્વારા સિંહની વસતી ગણતરીનું મોનિટરિંગ કરાશે

જુનાગઢઃ સૌરાષ્ટ્રમાં ગીર જંગલ સહિત રેવન્યુ વિસ્તારોમાં પણ સિહની વસતી વધતા જાય છે. અમરેલી, ભાવનગર અને પોરબંદરના ઘેડ વિસ્તાર અને બરડા ડુંગર વિસ્તારમાં પણ સિંહોએ પોતાનું નવુ રહેઠાણ બનાવ્યું છે. હવે સરકાર દ્વારા સિંહોની વસતી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 9 વર્ષથી સત્તાવાર સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી નથી. જોકે  દર પાંચ વર્ષે સિંહોની ગણતરીનો અંદાજ કરવામાં આવે છે. છેલ્લે 2015માં સિંહ વસ્તી ગણતરી થયા બાદ 2020માં કોરોના કાળના કારણે માત્ર અંદાજ કરવામાં આવ્યો હતો. સત્તાવાર ગણતરી થવા પામી ન હતી. આ વર્ષે 10મેથી 13 મે 2025 દરમિયાન સિંહ, સિંહણ પાઠડા સહિતની ગણતરી થવાની શકયતાઓ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ વખતે વનતંત્ર દ્વારા 25થી 30 ટકા સિંહોની વસ્તી વધારો દર્શાવવામાં આવે તેવો અંદાજ છે.

Advertisement

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ માત્ર ગીર અને હવે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વસવાટ કરે છે, વન વિભાગ દ્વારા સિંહની વસતી ગણતરી માટે આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.  સિંહની વસ્તી ગણતરીનું સંચાલન વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ દ્વારા કરવામાં આવશે. હાલ સિંહોના વસવાટ વાળા તમામ વિસ્તારો ઉપરાંત જયાં જયાં સિંહોની અવર જવર છે તે તમામ વિસ્તારોમાંથી સિંહના અવલોકનના ડેટા, મારણની વિગતો, રેડીયો કોલરનો ડેટા સહિતની અનેક વિગતો એકત્ર થઈ ગયા બાદ કેવી રીતે અને કેટલા વિસ્તારમાં સિંહોની ગણતરીનો અંદાજ લગાવવો તે નકકી કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સિંહ વસ્તી ગણતરીને માત્ર હવે બે માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મે માસની 10 તારીખથી સિંહની વસતી ગણતરીનો પ્રારંભ કરાશે. દર વખતે ગણતરી બે તબકકામાં કરવામાં આવે છે. ગણતરીનો આખરી ઓપ અપાઈ ચુકયો છે. આ વખતે સિંહોની વસ્તી 25થી 30 ટકા બતાવાવામાં આવે તેવો અંદાજ છે. ગરમીના કારણે પૂનમના અજવાળે વસ્તી ગણતરી સહેલી બને છે. ઉનાળો હોવાથી મોટાભાગે સિંહો પાણીવાળા વિસ્તારોમાં જ હોય છે જેથી મોટાભાગના સિંહો ગણતરીમાં આવી જાય છે. 2015થી 2020 વચ્ચે સિંહોના વિસ્તારમાં 36 ટકાનો વધારો થયો છે. હાલ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, પોરબંદર, રાજકોટ જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાના 53 તાલુકામાં સિંહો અવરજવર કરતા જોવા મળ્યા છે. સિંહોની ગણતરી મુજબ 1968માં 177, 1974માં 180, 1979માં 205, 1985માં 239, 1990માં 284, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523, 2020માં પૂનમ અવલોકનમાં 674નો અંદાજ મુકવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement