દીવ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 10મીમેથી સિંહની વસતી ગણતરી હાથ ધરાશે
- કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર સિંહ વસતી માટે ચિહ્નિત કરવામાં આવ્યો છે
- સિંહોની ચળવળ, લિંગ વિભાજન, વય જૂથો, ઓળખ ચિન્હોની વિગતો પણ એકત્રિત કરાશે
- પ્રથમવાર સંપૂર્ણ પ્રાદેશિક આવરણ સાથે ગહન અને ટેકનોલોજી આધારિત અભ્યાસ કરાશે
ગાંધીનગર: ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે વસતી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના વન વિભાગ દ્વારા 10થી 13 મે, 2025 દરમિયાન આ વસતી ગણતરી યોજાશે, જેમાં સૌપ્રથમ વખત સમગ્ર સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત દીવ વિસ્તારને પણ આવરી લેવામાં આવશે અને કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર સિંહ વસતી માટે ચિહ્નિત કરવામાં આવ્યો છે, જે વસતી ગણતરી માટે અત્યાર સુધીનો સૌથી વિશાળ વિસ્તાર છે. સિંહોની ગણતરી ગણતરીમાં માત્ર સંખ્યા પર જ નહીં પણ, સિંહોની ચળવળ, લિંગ વિભાજન, વય જૂથો, ઓળખ ચિન્હો, જીપીએસ આધારિત સ્થાન માહિતી જેવી વિગતો પણ એકત્રિત કરવામાં આવશે
રાજ્યના વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2020ની છેલ્લી વસતી ગણતરીમાં સિંહોની સંખ્યા 2015ની તુલનાએ નોંધપાત્ર રીતે વધી હતી. 2015માં 523 સિંહ હતા, જે વધીને 674 થયા એટલે કે 28.87%નો વધારો થયો છે. આ વૃદ્ધિદર વન વિભાગની સ્થાપનાના ઇતિહાસમાં સૌથી ઊંચો ગણાય છે. તે સમયે ગણતરી માત્ર નવ જિલ્લાઓ અને 30,000 ચોરસ કિમી વિસ્તારમાં કરાઈ હતી. પરંતુ હવે, સિંહોની વિસ્તરતી હલચલ અને વસવાટના વિસ્તારને ધ્યાને રાખી વધુ વિસ્તૃત વિસ્તાર અને નવા જિલ્લામાં આવરી લેવામાં આવ્યા છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સિંહોની વસતી ગણતરીમાં માત્ર સંખ્યા પર જ નહીં પણ, સિંહોની ચળવળ, લિંગ વિભાજન, વય જૂથો, ઓળખ ચિન્હો, જીપીએસ આધારિત સ્થાન માહિતી જેવી વિગતો પણ એકત્રિત કરવામાં આવશે. આ માહિતીથી ભવિષ્યમાં સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે દિશા નક્કી કરવામાં મદદ મળશે. આ વિશાળ કામગીરીમાં કુલ 3,000 જેટલા પ્રશિક્ષિત સ્વયંસેવકો, પ્રાદેશિક અધિકારીઓ, ઝોનલ અને સબ-ઝોનલ ટીમો જોડાશે. તેમને ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા, રેડિયો કોલર, ઇ-ગુજફોરેસ્ટ મોબાઇલ એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી ટેકનોલોજીથી સજ્જ કરાશે. આ ટેકનોલોજીના ઉપયોગથી ડેટા વધુ ચોક્કસ, વિશ્વસનીય અને રિયલટાઇમમાં ઉપલબ્ધ થશે.
વન વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, છેલ્લા બે દાયકામાં સિંહોનો વસવાટ વિસ્તાર 13,000 ચોરસ કિમીમાંથી 35,000 ચોરસ કિમી સુધી વિસ્તરી ગયો છે, જે 169%નો વધારો દર્શાવે છે. બીજી તરફ, વસતી 359થી વધી 674 થઈ છે, એટલે કે 87%નો વૃદ્ધિદર નોંધાયો છે. આ વૃદ્ધિને ધ્યાનમાં લઈને વિશાળ વિસ્તારને આવરી લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.