વઢવાણમાં યુરિયા ખાતર મેળવવા સવારથી જ ખેડુતોની લાગતી લાઈનો
- રવિ સીઝનમાં યુરિયા ખાતરની અછતથી ખેડુતો પરેશાન,
- ખેડુતદીઠ માત્ર 6 થેલી ખાતર અપાતા અસંતોષ,
- જરૂરિયાત મુજબ ખાતર ન મળતા રવિપાકની ઉત્પાદનને અસર થશે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ત્યારે ખંડુતોને યુરિયા ખાતરની જરૂર પડતા ખેડુતો વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ખાતરના ડેપો પર યુરિયા ખાતર લેવા લાઈનો લગાવી રહ્યા છે. ડેપોમાં ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ડેપો પર પહોંચી ગયા હતાં પરંતુ ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી, કલાકો સુધી લાઈનો ઊભા રહ્યા બાદ ખેડુતદીઠ માત્ર 6 થેલી ખાતર અપાતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં યુરીયા ખાતરની અછતને લઇને ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. શિયાળાની ઠંડીમાં વહેલી સવારથી યુરીયા ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા છતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ખાતરના ડેપો પર વહેલી સવારથી ખેડૂતો ખાતર મેળવવા લાઇનમાં ઊભા રહ્યા હોવા છતા માત્ર 6 જ થેલી ખાતર આપવામાં આવતા ખેડુતો કોષે ભરાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઇ ત્યારથી ખાતરની અછત જોવા મળી રહી છે અને ખાતરની તંગીના કારણે ખેડૂતોને રઝળપાટ કરવાની નોબત આવી છે. વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલા ખેડૂત સહાય કેન્દ્ર પર યુરિયા ખાતરનો જથ્થો લેવા માટે ખેડૂતોને લાંબી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. ખાતરના ડેપો પર ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ડેપો પર પહોંચી ગયા હતા જેથી અવ્યવસ્થા સર્જાતા અંતે ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. હાલ ખેડૂતોએ જીરૂ, ચણા, ઘઉં, વરિયાળી સહીતના પાકનું વાવેતર કરી દીધું છે. ત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે તેવા સમયે જ ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.