PCBની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ દેખાવથી બ્રાન્ડ વેલ્યુ ઘટશે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સફરનો અંત આવ્યો છે. પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ યજમાન પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સ્થિતિ આગામી દિવસોમાં વિકટ બનવાની શકયતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમની બ્રાન્ડ વેલ્યુ અને સ્પોન્સર્સ ઘટવાની તૈયારીમાં છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેના સ્પોન્સર્સ ગુમાવી શકે છે. જો આવું થાય, તો પહેલાથી જ સંઘર્ષ કરી રહેલ પાકિસ્તાન ક્રિકેટની મુશ્કેલીઓ વધશે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન બહાર થઈ ગયું છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે અને ભારત સિવાય તમામ દેશોની મેચ પાકિસ્તાનમાં જ રમાવાની છે. પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોવાથી હવે આગામી દિવસોમાં અન્ય દેશોની મેચમાં દર્શકો આવશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થયાં છે.
પાકિસ્તાન લગભગ 29 વર્ષ પછી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, પરંતુ મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ સામે 60 રનના મોટા માર્જિનથી પરાજય થયો. આ પછી ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. આ રીતે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સફરનો અંત આવ્યો છે. હવે, પાકિસ્તાન તેની છેલ્લી મેચ 28 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. જોકે, પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટને સન્માનજનક વિદાય આપવા માંગશે, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે મોહમ્મદ રિઝવાનની ટીમ જીત મેળવે છે કે નહીં?