કાંકરિયા લેકની જેમ હવે ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે, પ્રથમ ફેઝમાં 27 કરોડ ખર્ચાશે
- ચંડોળા તળાવને નર્મદાના નીરથી ભરી દેવાશે
- વધારાની જમીન બીએસએફને આપવા સરકારની વિચારણા
- લેકને ડેવલોપ કરવાનું કામ સાત ફેઝમાં ચાલશે
અમદાવાદઃ શહેરના વિસ્તારમાં આવેલા ચંડાળા તળાવ વિસ્તારની વસાહત મીની બાંગ્લાદેશ તરીકે જાણી હતી. આ વસાહતમાં લોકો ગેરકાયદે બાંધકામો કરીને કાચા-પાક મકાનોમાં વસવાટ કરતા હતા, મ્યુનિ. કોર્પોરેશનને પોલીસની મદદથી મોગા ઓપરેશન હાથ ધરીને 4000થી વધુ કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ હટાવીને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવી હતી. આજે ત્રીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહી હતી. દરમિયાન અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને કાંકરિયાની જેમ ચંડોળા તળાવનો સર્વાંગી વિકાસ કરવા માટે રોડમેપ તૈયાર કરી દીધો છે. જેમાં પ્રથમ ફેઝમાં રૂપિયા 27 કરોડનો ખર્ચ કરીને ચંડોળા લેકનું બ્યુટિફિકેશન કરાશે. ચંડોળા તળાવને નર્મદાના નીરથી ભરી દેવાશે. તેમજ વધારાની જે જમીન છે તે બીએસએફને ફાળવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશને પોલીસની મદદથી શહેરના ચંડોળા તળાવ વિસ્તારના દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વર્ષો જુની ગેરકાયદે વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે ત્રીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહી હતી. એએમસીની મશીનરી અને મેનપાવર દ્વારા 4,000 જેટલા નાના-મોટા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાંને તોડી આશરે 1.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયાં છે. શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે તેના પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર હસ્તગત ચંડોળા તળાવને ડેવલોપમેન્ટ કરવા માટે વર્ષ 2024માં મંજૂરી આપી દેવામાં આવી છે. પણ ચંડોળા વિસ્તારમાં વર્ષો જુના દબાણો હટાવવાનું કામ કપરૂ હતું. જો આ વિસ્તારની ગેરકાયદે વસાહતને દુર કરવામાં આવે તો જ આ વિસ્તારનો વિકાસ થઈ શકે તેમ હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા અને ઇસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું ચંડોળા તળાવ છે, જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. એએમસી દ્વારા આ તળાવને ડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ સાત ફેઝમાં તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દાણીલીમડાથી નારોલ તરફ જવાના રોડ ઉપરના ભાગને પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરીને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ઘોડાસર પાસેથી પસાર થતી કેનાલના પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે. STP પ્લાન્ટ ઊભો કરવામાં આવશે જેમાંથી ગટરનું ટ્રીટ કરેલું પાણી પણ તળાવમાં છોડવામાં આવશે જેના કારણે તળાવ બારેમાસ ભરેલું રહેશે. ચંડોળા તળાવનું રિડેવલપમેન્ટ કરાયા પછી સમગ્ર વિસ્તારની રોનક બદલાઈ જશે અને આગવી ઓળખ ઉભી થશે. તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલોપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથિયેટર, જંગલ જિમ, ખંભાતી કૂવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવશે. ચંડોળા તળાવમાંથી કાંપ કાઢીને જળસંગ્રહ વધારાશે અને રાઈપેરીઅન સહિત ઝાડ પાન સહિત વૃક્ષારોપણ કરીને પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવશે.