CBSE સ્કૂલોની જેમ એપ્રિલમાં ગુજરાત બોર્ડની શાળાઓમાં નવુ સત્ર શરૂ ન કરી શકાયું
- વર્ષ 2020માં સરકારે એપ્રિલમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો
- કોરોના અને ત્યારબાદ અન્ય કારણોસર નિર્ણય લઈ શકાયો નહીં
- હવે એપ્રિલમાં નવુ સત્ર શરૂ કરાનો ઠરાવ સરકારે રદ કર્યો
અમદાવાદઃ રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોની જેમ જ એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ કરવાનો ગુજરાત સરકારે વર્ષ 2020માં ઠરાવ કર્યો હતો, પણ ત્યાર બાદ કોરોના અને પછીના વર્ષોમાં અન્ય કારણોને લીધે એનો અમલ કરી શકાયો નહતો. હવે સરકારે વર્ષ 2020માં કરેલો ઠરાવ રદ કરી દીધો છે. કારણ કે ગુજરાત બોર્ડની શાળાઓમાં એપ્રિલથી નવા સૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવો શક્ય નથી.
રાજ્ય સરકાર શૈક્ષણિક સત્રમાં એકસૂત્રતતા જાળવવામાં પીછેહઠ કરી છે. કારણકે CBSE બોર્ડ અને અન્ય બોર્ડની સ્કૂલો સાથે એપ્રિલમાં જ ગુજરાત બોર્ડનું પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે 4 ફેબ્રુઆરી 2020 ના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામા આવ્યો હતો.જો કે ત્યારબાદ કોરોનોને લીધે અમલ થઈ શક્યો ન હતો પરંતુ ત્યારબાદ પણ અમલ થયો ન હતો અને પાંચ વર્ષથી અમલ જ ન થઈ શકતા અંતે સરકારે પોતાનો જ ઠરાવ રદ કરી દીધો છે. આમ હવે ગુજરાત બોર્ડની સ્કૂલોનું નવુ શૈક્ષણિક સત્ર જૂનથી જ શરૂ થશે.
શિક્ષણ વિભાગના કહેવા મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં વર્ષોથી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની પેટર્ન છે. જ્યારે CBSE બોર્ડ તેમજ અન્ય બોર્ડ એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે. આમ વિદ્યાર્થીઓને બોર્ડ બદલથી વખતે તેમજ પ્રવેશ પ્રક્રિયાથી માંડી અન્ય ઘણી બાબતો મુશ્કેલી પડતી હોય છે. જેથી રાજ્યમાં આવેલી તમામ બોર્ડની તમામ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ શરૂ થવામા એક સૂત્રતા જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 4 ફેબ્રુઆરી 2020ના રોજ ગુજરાત બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો. જોકે, 2020-21 અને 2021-22માં કોવિડને લીધે અને ત્યારબાદ 2022-23 તથા 2023-24અને 2024-25 ના વર્ષોમાં પણ આ ઠરાવનો અમલ થઈ જ શક્યો ન હતો. પાંચ વર્ષથી એપ્રિલમાં સ્કૂલો શરૂ કરવાનો અમલ થઈ ન શકતા અંતે શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2020નો ઠરાવ રદ કર્યો છે. ગુજરાત બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ જૂન માસથી જ શરૂ કરવાનું રહેશે તેવું જાહેર કર્યું છે.