ભાવનગરમાં 3 વખત હેલ્મેટ વિના પકડાયેલા 39 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ
- ભાવનગર RTOની ગત માસમાં 55 લોકો સામે દંડનીય કાર્યવાહી
- આરટીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે છે
- અન્ય ગુનામાં 16 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા
ભાવનગરઃ શહેરમાં મોટાભાગના બાઈક કે સ્કૂટરસવારો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સમયાંતરે વાહનચોકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં બાઈક કે સ્કૂટરસવારો વારંવાર હેલ્મેટ ભંગના કેસમાં પકડાતા હોય છે. ત્યારે આરટીઓ દ્વારા ત્રણવાર હેલ્મેટ વિના પકડાયેલા 39 વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 16 ટ્રાફિકભંગના ગુનામાં પણ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગર શહેરમાં આર.ટી.ઓ. દ્વારા હેલ્મેટ મુદ્દે કડક વલણ અપનાવી રહ્યું છે હેલ્મેટ ચેકીંગ દરમિયાન 39 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાતા ભારે ફફડાટ ફેલાયો છે. સમગ્ર રાજ્યમાં રોડ સેફ્ટી અંતર્ગત આર.ટી.ઓ.માં વાહન ચાલકોને જુદા જુદા કાર્યક્રમો થકી જાગૃત કરવામાં આવી રહ્યા છે આર.ટી.ઓ. દ્વારા પણ વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરાયા હતા. ત્યારે હેલ્મેટ નહીં પહેરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ત્રણ વખતથી વધુ પકડાયેલા 39 જેટલા વાહન ચાલકોને નોટિસ આપી વાહન ચાલકોને સાંભળવામાં આવ્યા હતા જેમાં કસુરવાર ઠરતા 39 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં છે.
આ ઉપરાંત વધુ 16 જેટલા વાહન ચાલકોને ડ્રીંક એન્ડ ડ્રાઇવ, રોંગ સાઇડ, પુરપાટ ઝડપે વાહન ચલાવવુ જેવા કેસોમાં લાયસસન્સ સસ્પેન્ડ કરાયા હતા. તેમજ ત્રાપજ નજીક ટ્રક અને બસનો ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં સાત લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જે બનાવમાં આર.ટી.ઓ. ટ્રક ચાલકને નોટિસ પાઠવી હતી પરંતુ જે બાદ પણ આર.ટી.ઓ.માં હાજર ન થતાં ટ્રક ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની ગતિવીધી તેજ કરાઇ છે.